(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ત્રણ રાજ્યોના મુખ્ય પ્રધાનની પસંદગી કરતી વખતે ભાજપે પોતાનો આંચકા પદ્ધતિ કાયમ રાખી છે અને ત્રણેય મુખ્ય પ્રધાનોના નામ જાહેર થયા બાદ તેનું અર્થઘટન કરતાં 2024ની લોકસભાની તૈયારી સાથે આને હવે સાંકળીને જોવામાં આવે છે. વસુંધરા રાજે, શિવરાજ સિંહ ચૌહાણ અને રમણ સિંહ જેવા મોટા અને અપેક્ષિત નામોને પડતા મૂકીને મોહન યાદવ, વિષ્ણુદેવ સાય અને ભજનલાલ શર્માની વરણી કરવામાં આવી તેને આંચકાજનક ગણવામાં આવતું હતું. સંપૂર્ણ રીતે નવા ચહેરાઓની પસંદગીને કારણે પક્ષની અંદરના લોકો તેમ જ રાજકીય નિરીક્ષકોનાં ભવાં ઉંચકાયા છે. પરંતુ આંતરિક વર્તુળો દ્વારા લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજયને પાકો કરવા માટેની તૈયારી તરીકે આને જોવામાં આવી રહ્યું છે. આ બાબતને જાતી અને વર્ગના રાજકારણને સમતોલ કરવા માટેનો પ્રયાસ ગણવામાં આવે છે.
છત્તીસગઢમાં આદીવાસી ચહેરો
છત્તીસગઢમાં આદીવાસી મતદારોની સંખ્યા વસ્તીના 32 ટકા જેટલી છે. આ રાજ્યમાં ભાજપે આદીવાસી નેતા વિષ્ણુ દેવ સાઈ પર પસંદગી ઉતારી છે. આ પગલાંને ફક્ત છત્તીસગઢ જ નહીં, આસપાસના રાજ્યો મધ્ય પ્રદેશ, ઝારખંડ અને ઓરિસાના આદીવાસી મતદાતાઓને આકર્ષવા માટેના પગલાં તરીકે જોવામાં આવ્યું છે.
મધ્ય પ્રદેશમાં ઓબીસી ચહેરો
પાંચેય રાજ્યોની ચૂંટણીમાં સૌથી વધુ મહત્ત્વ જે રાજ્યની ચૂંટણીને આપવામાં આવ્યું હતું તે મધ્ય પ્રદેશમાં ભાજપે બધા જ ગણિતોને ખોટા પાડીને જ્વલંત વિજય મેળવ્યો હતો. અહીં મોહન યાદવને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેઓ ઓબીસીમાં આવતા યાદવ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમાજની હાજરી પાડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહારમાં નોંધપાત્ર છે અને તેઓ ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભાજપના પગલાંને સમતુલા જાળવી રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. આવી જ રીતે નાયબ મુખ્ય પ્રધાનોની પસંદગીમાં પણ સમાજના વિવિધ સમાજને સંતુષ્ટ કરવાના પગલાં તરીકે જોવામાં આવે છે.
રાજસ્થાનમાં સામાન્ય પાર્ટીનો કાર્યકર્તા
રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન તરીકે ભજનલાલ શર્માની પસંદગી કરવામાં આવી હતી. તેઓ બ્રાહ્મણ હોવા ઉપરાંત પક્ષના એક સામાન્ય કાર્યકર્તા તરીકેની છબી ધરાવે છે. ભજનલાલ પાર્ટીની પિતૃસંસ્થા આરએસએસ અને વર્તમાન પાર્ટી પ્રમુખ જે. પી. નડ્ડાની અત્યંત નજીકના ગણાય છે. 20 વર્ષથી તેઓ પાર્ટી અને નડ્ડા સાથે કામ કરી રહ્યા છે. આની સાથે રાજસ્થાનમાં 25 વર્ષથી અશોક ગેહલોત અને વસુંધરા રાજેની વારાફરતી મુખ્ય પ્રધાન બનવાની પરંપરા તૂટી છે.
જાતી આધારિત સમતુલા
ભાજપે ત્રણેય રાજ્યોમાં જાતી આધારિત સમતુલા જાળવી રાખવાનો ભરપૂર પ્રયાસ કર્યો હોવાનું દેખાઈ આવે છે. રાજસ્થાનમાં ભજનલાલ શર્મા બ્રાહ્મણ છે, નાયબ મુખ્ય પ્રધાન દિયા કુમારી રાજ પરિવારના (રાજપુત) છે. જ્યારે બીજા નાયબ મુખ્ય પ્રધાન પ્રેમ ચંદ બૈરવા અનુસૂચિત જાતી (દલિત) છે.
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ ઓબીસી સમાજના છે. નાયબ મુખ્ય પ્રધાન રાજેન્દ્ર શુક્લા બ્રાહ્મણ છે. બીજા નાયબ મુખ્ય પ્રધાન જગદીશ દેવડા અનુસૂચિત જાતી (દલિત) છે.
છત્તીસગઢમાં વિષ્ણુ દેવ આદીવાસી સમાજના છે. તેમના બે નાયબ મુખ્ય પ્રધાનોે ઓબીસી અને બ્રાહ્મણ સમાજના છે.
નવા નેતાઓને તૈયાર કરવાની કવાયત
ભાજપ અત્યારે નવી પેઢીના નેતાઓને આગળ વધારી રહી હોવાનું ત્રણ રાજ્યોમાં લેવામાં આવેલા નિર્ણયો પરથી જોવામાં આવી રહ્યું છે. વસુંધરા રાજે, શિવરાજ સિંહ ચૌહાણ અને રમણ સિંહ જેવા જૂના જોગીઓને સ્થાને વિષ્ણુ મોહન અને ભજનલાલ જેવા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આના પરથી પાર્ટી આખી નવી પેઢીનું નેતૃત્વ તૈયાર કરવા માગી રહ્યું હોવાનું જણાય છે.
પાર્ટી કેડરને આકરો સંકેત
પાર્ટીએ તાજેતરના પોતાના નિર્ણયો પરથી પાર્ટી કેડરને 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આકરો સંકેત આપ્યો છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના ગમે તે કાર્યકર્તાને મોટી જવાબદારી મળી શકે છે. આવી જ રીતે બીજો સંદેશ પણ આપવામાં આવ્યો છે કે ભાજપમાં વંશવાદ ચાલતો નથી. દરેક કાર્યકર્તાને સમાન તક મળી શકે છે.