ટોપ ન્યૂઝનેશનલ

Loksabha Election 2024: ભાજપનું પ્રચાર થીમ સોંગ લોન્ચ, વડા પ્રધાને યુવા મતદારોઓને વિકસિત ભારત બનાવવા કરી અપીલ


નવી દિલ્હી: આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે પક્ષના પ્રચાર માટેનું થીમ સોંગ લોન્ચ કર્યું હતું. થીમ સોંગ…”તભી તો સબ મોદી કો ચુનતે હૈ, સપને નહીં હકીકત બુનતે હૈ…” લોન્ચ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ‘નામો નવમતદાતા સંમેલન’ને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે નવા મતદારોને કહ્યું કે દેશ 2047 સુધીમાં વિકસિત ભારત બનવાના લક્ષ્ય પર કામ કરી રહ્યો છે, તેથી તમારો મત નક્કી કરશે કે ભારતની દિશા કઈ બાજુ હશે.


વડા પ્રધાન મોદીએ કહ્યું કે જે રીતે 1947 પહેલા 25 વર્ષ પહેલા દેશને આઝાદ કરવાની જવાબદારી દેશના યુવાનોની હતી, તેવી જ રીતે 2047 પહેલાના આ 25 વર્ષોમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાની જવાબદારી તમારી છે. વડા પ્રધાને કહ્યું કે જ્યારે પણ સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ સામે આવે છે, તેમાંના ઘણા એવા લોકો હતા જેમની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે હતી, તેમના નામ આજે પણ ઈતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલા છે.


વડા પ્રધાન મોદીએ કહ્યું કે 18 થી 25 વર્ષની ઉંમર એવી હોય છે જ્યારે કોઈનું પણ જીવન અનેક પરિવર્તનમાંથી પસાર થાય છે. આ ફેરફારો વચ્ચે તમારે બધાએ સાથે મળીને જવાબદારી નિભાવવાની છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ભાગ લેવાની આ જવાબદારી છે. તમારી ઉંમરમાં કોઈપણ નવી શરૂઆત માટે સૌથી વધુ ઉત્સાહ હોય છે, પરંતુ આ શરૂઆત ઘણી અલગ છે. દેશની મતદાર યાદીમાં તમારું નામ નોંધાતાની સાથે જ તમે દેશની લોકશાહી વ્યવસ્થાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની ગયા છો.


તેમણે કહ્યું કે આ કાર્યક્રમ સાથે મોટી સંખ્યામાં દીકરીઓ જોડાયેલી છે. રાષ્ટ્રીય મતદાતા દિવસના મહત્વના દિવસે દેશના સૌથી યુવા મતદાતાઓમાં સામેલ થવું પોતાનામાં ઉર્જા આપનાર છે. આ સાથે તેમણે તમામને રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button