વારાણસી: છેલ્લા બે દિવસથી વડા પ્રધાન મોદી કાશીની મુલાકાતે છે ત્યારે તેઓ કાશી માટે 19,150 કરોડ રૂપિયાના 37 નવા પ્રોજેક્ટ શરૂ કરવાની વાત કરશે અને સાથે 2024ની ચૂંટણીનો શંખનાદ કરતા બરકીમાં જનસભાને સંબોધિત કરશે.
પીએમ મોદી તેમના સંસદીય ક્ષેત્રના ગ્રામીણ વિસ્તાર સેવાપુરીમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. કાશી સંસદ સ્પોર્ટ્સ કોમ્પિટિશન 2023ના સહભાગીઓ કેટલીક લાઇવ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ બાદ ઇવેન્ટના વિજેતાઓ સાથે પણ વાર્તાલાપ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરશે.
વડા પ્રધાન આજે સવારે 10.45 કલાકે સ્વરવેદા મહામંદિરમાં યજ્ઞના સમાપનમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ સાડા અગિયાર વાગ્યે એક જાહેર કાર્યક્રમમાં ઉદ્ઘાટન માટે રવાના થશે. બપોરે લગભગ એકના સુમારે વડા પ્રધાન સેવાપુરીના બરકી ગામમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. અહીં જાહેર સભાને સંબોધન કરતી વખતે રૂ. 19,150 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
આ ઉપરાંત ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના વિભાગનું ઉદ્ઘાટન કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દીન દયાલ ઉપાધ્યાય જંક્શનથી નવા ભાઈપુર જંક્શન સુધીના 402 કિલોમીટર લાંબા સેક્શનની શરૂઆત કરશે. રૂ.10,903 કરોડના ખર્ચે બનેલો આ વિભાગ દિલ્હી-હાવડા રેલ માર્ગ પર સ્થિત છે જે ઉત્તર પ્રદેશના ચંદૌલી, મિર્ઝાપુર, પ્રયાગરાજ, કૌશાંબી, ફતેહપુર, કાનપુર નગર અને કાનપુર દેહત જેવા જિલ્લાઓમાંથી પસાર થાય છે.
વડા પ્રધાન મોદી વારાણસીથી નવી દિલ્હીને જોડતી ભાગવા રંગની બીજી વંદે ભારત ટ્રેનને આજે બપોરે 2:15ના સમયે લીલી ઝંડી આપશે. નોંધનીય છે કે આ બીજી ભગવા રંગની વંદે ભારત ટ્રેન છે જેને રેલવે મંત્રાલય દેશમાં શરૂ કરવા જઈ રહ્યું છે.