નવી દિલ્હી: હાલમાં દેશમાં કુલ 349 મેડિકલ કોલેજો છે જેમાંથી 197 એટલે કે 50 ટકા જેટલી મેડિકલ કોલેજોને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ નેશનલ મેડિકલ કમિશન (NMC)એ એવી નોટિસ જારી કરી છે કે આ નિયમોનું ઉલ્લંઘન કેમ થયું છે તેનું વિસ્તાર પૂર્વક કારણ જણાવો. મળતી મહતી પ્રમાણે જો નિયમો અને ધોરણોનું પાલન મોટા ભાગની ઘણી મેડિકલ કોલેજોમાં નથી થતું આથી જો કોલેજો પર કાર્યવાહી કરવામાં આવે તો દેશની અડધી મેડિકલ કોલેજો તેમની માન્યતા ગુમાવી શકે છે. જો મેડિકલ કોલેજો નિયમોનું પાલન નહિ કરે તો આ કોલેજોમાં એક વર્ષ માટે પ્રવેશ અટકાવવામાં આવશે.
નોંધનીય છે કે નેશનલ મેડિકલ કમિશન (NMC) એ નિયમ ધોરણોનું પાલન ન કરવાને કારણે છેલ્લા બે મહિનામાં લગભગ 40 મેડિકલ કોલેજોની માન્યતા રદ કરી દીધી છે. આ કોલેજો પર ફેકલ્ટી અને સીસીટીવી કેમેરા સંબંધિત ખામીઓને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્યારે NMC ને તપાસ દરમિયાન ઘણી કોલેજોમાં રેસિડેન્ટ ડોકટરોની હાજરી પણ ઘણી ઓછી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ઘણી કોલેજોમાં જરૂરી અધ્યાપકોની સંખ્યા પણ ઓછી છે. વરિષ્ઠ નિવાસી તબીબોની હાજરી પણ પૂરતી ન હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત મિનિમમ સ્ટાન્ડર્ડ રિક્વાયરમેન્ટ્સ (MSR) 2023 હેઠળ ઘણી ક્ષતિઓ જોવા મળી હતી. માર્ગદર્શિકાના નિયમ મુજબ તમામ ફેકલ્ટી અને વરિષ્ઠ નિવાસી ડોકટરોની ઓછામાં ઓછી 75 ટકા હાજરી ફરજિયાત છે. એનએમસીને મોટાભાગની મેડિકલ કોલેજોમાં સીસીટીવી જેવી સુવિધામાં પણ ક્ષતિ જોવા મળી હતી.