ટોપ ન્યૂઝસ્પોર્ટસ

એશિયન ગેમ્સમાં ચોથા દિવસે મેડલનો વરસાદ, ભારતે આઠ મેડલ જીત્યા

હોંગઝોઉઃ એશિયન ગેમ્સમાં ચોથા દિવસે ભારતીય શૂટરોએ મેડલનો વરસાદ કર્યો હતો. ભારતે બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે કુલ આઠ મેડલ જીત્યા હતા. આ સાથે ભારત 22 મેડલ સાથે મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. જેમાં પાંચ ગોલ્ડ, સાત સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

50 મીટર રાઇફલ ઇવેન્ટમાં ભારતીય મહિલા શૂટરો સિફ્ટ કૌર સામરા, માનિની કૌશિક અને આશી ચોક્સીએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઇવેન્ટમાં ચીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતીય મહિલા શૂટર 18 વર્ષીય ઇશા સિંહે 25 મીટર પિસ્તોલ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ચીનની શૂટર લુઈ રિયુએ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ભારતીય શૂટર ઈશા સિંહે બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો હતો.
તે સિવાય સ્કીટ શૂટિંગમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેન્સ ટીમ ઈવેન્ટમાં ભારતના અંગદ વીર સિંહ બાજવા, અનંતજીત સિંહ અને ગુરજોત સિંહની ભારતીય ટીમે ભારતને આ મેડલ અપાવ્યો હતો. પુરુષોની સેલિંગ ઇવેન્ટમાં વિષ્ણુ સરવનને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. કોરિયાના હા જેમિને સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે સિંગાપોરના લો જૂન હાન રયાને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અનંત સિંહે શૂટિંગમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. તેણે 60 માંથી 58 શોટ સીધા લક્ષ્ય પર લગાવ્યા અને સિલ્વર મેડલ જીત્યો હતો. કુવૈતના અબ્દુલ્લા અલરસીદીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. અનંતજીત સિંહે સ્કીટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ટેબલ ટેનિસમાં માનવ ઠક્કર અને માનુષ શાહની ભારતીય પુરુષ જોડી અંતિમ-32માં પહોંચી ગઈ હતી. ભારતીય જોડીએ થાઈલેન્ડની જોડીને3-2 [11-8, 8-11, 11-6, 7-11, 12-10]થી હરાવીને તેમના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી.
ભારતે મકાઉને 3-0થી હરાવીને સ્ક્વોશમાં મોટી જીત હાંસલ કરી હતી. અનહત સિંહે વેઈ યુંગને સીધા સેટમાં 11-1, 11-6, 11-7થી હરાવ્યો હતો. આ પહેલા જોશના ચિનપ્પાએ ક્વાઈ લિયુને સીધા સેટમાં હરાવ્યો હતો.

ઘોડેસવારીમાં વ્યક્તિગત ડ્રેસેજ ફાઇનલ માટે ક્વોલિફાય કર્યા બાદ કચ્છના યુવક હ્રદય વિપુલ છેડા અને અનુષ અગ્રવાલ મેડલની રેસમાં સામેલ થયા હતા. હૃદય 73.883ના કુલ સ્કોર સાથે ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચ પર હતો જ્યારે અનુષ 71.706ના સ્કોર સાથે ચોથા સ્થાને રહ્યો હતો.

ટેબલ ટેનિસ ખેલાડીઓ મનિકા બત્રા અને સાથિયાને મિક્સ ડબલ્સના રાઉન્ડ ઓફ 16માં સ્થાન મેળવ્યું હતું. આ ભારતીય જોડીએ થાઈલેન્ડની ટેબલ ટેનિસ જોડીને હરાવી હતી. બોક્સિંગમાં મહિલાઓની 50 કિગ્રા વર્ગમાં નિકહત ઝરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે કોરિયન બોક્સરને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button