ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

પાકિસ્તાનથી લઈ અમેરિકાના અખબારોએ ડૉ. મનમોહન સિંહના નિધન અંગે કરી મોટી વાત, જાણો કોણે શું લખ્યું?

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હી એઇમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વિશ્વ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યું છે. વિશ્વભરના મીડિયામાં મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. પાકિસ્તાનથી લઈ અમેરિકા તમામ દેશોએ ડૉ.મનમોહન સિંહના નિધન પર અહેવાલ પ્રકાશિત કર્યા છે.

પાકિસ્તાની મીડિયાએ શું કહ્યું

પાકિસ્તાનના લગભગ તમામ અગ્રણી અખબારોએ ડૉ.મનમોહન સિંહના નિધન પર અહેવાલ પ્રકાશિત કર્યા છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને લખ્યું, ભારતના પૂર્વ વડા પ્રધાન અને દેશના આર્થિક ઉદારીકરણના શિલ્પી મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું હતું. લાંબી બીમારીના કારણે ગુરુવારે તેમને દિલ્હી એઇમ્સ લઇ જવામાં આવ્યા હતા અને 9.51 કલાકે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

મનમોહન સિંહ ભારતના સૌથી સફળ નેતાઓ પૈકીના એકઃ ધ ડૉન

પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ધ ડૉને લખ્યું, વડા પ્રધાન તરીકે તેમના પ્રથમ કાર્યકાળમાં અણગમતા શાસક તરીકે ભલે ઓળખવામાં આવે પણ શાંત સ્વભાવના મનમોહન સિંહ ચોક્કસપણે ભારતના સૌથી સફળ નેતાઓ પૈકીના એક હતા. તેમને ભારતને અભૂતપૂર્વ આર્થિક વિકાસ તરફ લઈ જવા તથા કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનો શ્રેય આપવામાં આવે છે. વડા પ્રધાન તરીકે તેઓ સતત બે વખત ચૂંટાયા હતા.

બીજો કાર્યકાળ કૌભાંડ, મોંઘવારી સાથે ખતમ થયોઃ જિયો ટીવી

પાકિસ્તાનના અન્ય ન્યૂઝ નેટવર્ક જિયો ટીવીએ લખ્યું, પૂર્વ વડા પ્રધાન એક અસાધારણ ટેકનોક્રેટ હતા. તેમના પ્રથમ કાર્યકાળની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ બીજો કાર્યકાળ ભ્રષ્ટાચાર, કૌભાંડો, ધીમો વિકાસ દર અને મોંઘવારી સાથે ખતમ થયો હતો.

આ પણ વાંચો : સોનિયા ગાંધીના વફાદાર હતા, એટલે મનમોહન સિંહ બન્યા હતા પીએમઃ સંજય બારુના પુસ્તકની અજાણી વાતો જાણો

ભારત અને અમેરિકા વચ્ચે સમેળભર્યા સંબંધોના નવા યુગની શરૂઆત મનમોહન સિંહને આભારીઃ સીએનએન

અમેરિકાના અખબાર સીએનએના રિપોર્ટ પ્રમાણે ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે અનેક મોટા સુધારા કરીને દેશને આગળ વધાર્યો અને આર્થિક મહાસત્તા તરીકે ભારતને પ્રસ્થાપિત કરવાનો રસ્તો તૈયાર કર્યો હતો. 92 વર્ષની વયે તેમનું નિધન થયું છે. વાદળી પાઘડી પહેરવા જાણીતા મનમોહન સિંહ ભારતના પ્રથમ શીખ લઘુમતી વડા પ્રધાન હતા. તેમણે 2004 થી 2014 સુધી વિશ્વની સૌથી મોટી લોકશાહીનું નેતૃત્વ કર્યું હતું. ભારત અને અમેરિકા વચ્ચે સમેળભર્યા સંબંધોના નવા યુગની શરૂઆત તેમના કારણે જ થઈ હતી.

ભારતના ઇકોનૉમિક લિબરેટરઃ ધ ગાર્ડિયન

ડૉ. મનમોહન સિંહના નિધન પર બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને એક લેખમાં લખ્યું, મનમોહન સિંહ તેમના શરમાળ સ્વભાવ અને પડદા પાછળ રહેવાના કારણે ભારતના એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર કહેવાય છે. 10 ભાઈ-બહેનોમાંથી એક મનમોહન સિંહ તેમની શિક્ષા પ્રત્યે એટલા સમર્પિત હતા કે તેમણે સંયુક્ત પરિવારના ઘરમાં શોરથી બચવા માટે રાત્રે સ્ટ્રીટ લાઇટ નીચે અભ્યાસ કરતા હતા.

બ્રિટિશ અખબારે વધુમાં લખ્યું, મનમોહન સિંહ 1991માં રાજનીતિમાં આવ્યા ત્યારે ભારત સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી એકનો સામનો કરતું હતું. ભારત નાદારીના આરે આવી ગયું હતું, તે સમયે તત્કાલીન વડા પ્રધાન નરસિમ્હા રાવે મનમોહન સિંહને નાણાં મંત્રી બનાવ્યા. તેમણે લાયસન્સ રાજ ખતમ કર્યું, વિદેશી રોકાણકારોને આકર્ષવા ટેક્સમાં ઘટાડો કર્યો. તેમના પ્રયાસોના કારણે ભારતના વિકાસની શરૂઆત થઈ. આ કારણે તેમને ભારતના ઇકોનૉમિક લિબરેટર અર્થાત્ આર્થિક મુક્તિદાતાનું નામ મળ્યું હતું.

કતારના મીડિયાએ શું લખ્યું
કતારના ન્યૂઝ નેટવર્ક અલઝઝીરાએ પણ મનમોહન સિંહના નિધન પર અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ અહેવાલ પ્રમાણે, મનમોહન સિંહના કાર્યકાળમાં ભારતે અભૂતપૂર્વ આર્થિક વિકાસ કર્યો. તેમણે ગરીબો માટે રોજગાર પ્રોગ્રામ જેવી કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી હતી. 1991માં જ્યારે તેમને અચાનક નાણાં મંત્રી બનાવાયા ત્યારે તેમની પાસે રાજકીય જીવનની કોઈ સ્પષ્ટ યોજના નહોતી. 1996 સુધી તેમના કાર્યકાળ દરમિયાન મનમોહન સિંહે કરેલા સુધારાના કારણે ભારત ગંભીર સંકટમાંથી બચી ગયું હતું.

તુર્કીના મીડિયાએ શું લખ્યું

તુર્કીના સરકારી બ્રોડકાસ્ટર ટીઆર વર્લ્ડે તેમની વેબસાઇટ પર આર્ટિકલ પ્રકાશિત કર્યો છે. જેનું શીર્ષક – ‘ભારતના પૂર્વ વડા પ્રધાન, ભારતના આર્થિક સુધારાના શિલ્પી મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન’ તેવું હતું. અહેવાલ મજબ વિશ્વના તમામ નેતાઓ વચ્ચે ડૉ.મનમોહન સિંહને ખૂબ આદર આપવામાં આવતો હતો, પરંતુ ભારતમાં તેમને હંમેશા સરકારમાં અસલી તાકાત સોનિયા ગાંધી પાસે છે તેવી ધારણાનો સામનો કરવો પડતો હતો. સાદગીભર્યા જીવન અને ઈમાનદારી માટે જાણીતા સિંહને વ્યક્તિગત રીતે ભ્રષ્ટ માનવામાં આવતા નહોતા. પરંતુ તેમના બીજા કાર્યકાળ દરમિયાન અનેક કૌભાંડ સામે આવ્યા અને સરકારમાં રહેલા લોકો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા. જેને જોતાં મોટા પાયે વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. વડા પ્રધાન તરીકેના તેમના અંતિમ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતની વિકાસ યાત્રા ડગમગી હતી. વૈશ્વિક આર્થિક ઉથલ પાથલ અને સરકારની ધીમી નિર્ણય પ્રક્રિયાએ રોકાણને પ્રભાવિત કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button