ઇમ્ફાલ: મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે. મંગળવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક ગામમાં ગોળીબાર થયો હતો. આ દરમિયાન બે લોકોના મોત થયા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ સહિત પાંચ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સુત્રોના જણાવ્યા મુજબ મૃત્યુઆંક વધી શકે છે.
એક અખબારી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે બપોરે લગભગ 2.30 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો અને કેટલાક કલાકો સુધી ચાલુ રહ્યો હતો. ફાયરિંગ દરમિયાન માર્યા ગયેલા બે લોકોની ઓળખ 33 વર્ષીય નોંગથોમ્બમ માઈકલ અને 25 વર્ષીય મીસનમ ખાબા તરીકે થઈ હતી. બંનેના મૃતદેહને 30 જાન્યુઆરીની સાંજે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં લઈ જવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગોળીબાર રાજ્યના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક ગામમાં થયો હતો. હિંસા દરમિયાન મણિપુરમાં ભાજપના યુવા અધ્યક્ષ બરીશ શર્મા પણ ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જયારે એક વ્યક્તિ ગુમ છે.
મણિપુર પોલીસે જણાવ્યું કે ઇમ્ફાલ પશ્ચિમ અને કાંગપોકપી જિલ્લાની સરહદ પર બે સમુદાયના ગ્રામજનો વચ્ચે ગોળીબાર થયો હતો. તાજેતરની હિંસા પછી, ઇમ્ફાલ ખીણના કડાંગબંદ, કૌત્રુક અને કાંગચુપ ગામોમાંથી લોકો પલાયન કરી રહ્યા હોવાના અહેવાલો છે.
મણિપુરમાં છેલ્લા એક મહિનામાં ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત બે પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. ગયા વર્ષે 3 મે 2022ના રોજ રાજ્યમાં શરૂ થયેલી હિંસામાં 180 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 3000 થી વધુ લોકો ઘાયલ થયા છે. હિંસાને કારણે હજારો લોકો વિસ્થાપિત પણ થયા છે, જ્યારે રાજ્યમાં ઓછામાં ઓછા 60,000 કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનોની તૈનાતી હોવા છતાં આઠ મહિનાથી વધુ સમયથી હિંસાની ઘટનાઓ બની રહી છે.
Taboola Feed