‘દેશ માટે મારો જીવ આપી દઇશ, પણ પ. બંગાળમાં UCC અને CAA લાગુ નહીં થવા દઉં’, મમતા બેનરજી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કોલકાતાના રેડ રોડ ખાતે આયોજિત ઈદની નમાજ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે બધાને ઈદની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ‘આ ખુશીની ઈદ છે. આ શક્તિ આપવાની ઈદ છે. એક મહિના સુધી ઉપવાસ કરીને આ ઈદની ઉજવણી કરવી એ મોટી વાત છે… અમે દેશ માટે લોહી વહેવડાવવા તૈયાર છીએ પણ અત્યાચાર સહન નહીં કરીએ. અમને યુનિફોર્મ સિવિલ કોડ સ્વીકાર્ય નથી. હું બધા ધર્મો વચ્ચે સુમેળ ઈચ્છું છું. મને બધાની સુરક્ષા અને સલામતી જોઇએ છે.
તેમણે ભાજપ પર મુસ્લિમ નેતાઓને એક એક કરીને ફોન કરીને તેઓને શું જોઈએ છે તે પૂછવાનો આરોપ પણ લગાવ્યો હતો. ઈદની નમાજને સંબોધિત કરતી વખતે, મમતા બેનરજીએ કહ્યું કે તેઓ યુનિફોર્મ સિવિલ કોડ (સમાન નાગરિક સંહિતા), એનઆરસી (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ) અને સીએએ (નાગરિકતા સંશોધન અધિનિયમ) લાગુ કરવા દેશે નહીં.
પહેલીવાર મમતા બેનરજીએ UCC પર TMCની સ્થિતિ સ્પષ્ટ કરી છે. લોકસભા ચૂંટણીના મતદાન પહેલા તેમનું આ સ્ટેન્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે દર્શાવે છે કે તે બંગાળમાં મુસ્લિમ મતબેંકને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે તેઓ લોકસભાની ચૂંટણી પહેલા UCCનો વિરોધ કરવા માંગે છે.
પોતાના ભાષણમાં મમતા દીદીએ જણાવ્યું હતું કે, ‘અમે રોયલ બંગાળ ટાઈગર જેવા છીએ. હું દેશ માટે મારી જાન કુરબાન કરવા તૈયાર છું… ચૂંટણી વખતે તમે (ભાજપ) મુસ્લિમ નેતાઓને બોલાવો છો અને તમને શું જોઈએ છે તે પૂછો છો. હું કહું છું કે તેમને કંઈ નથી જોઈતું, તેમને પ્રેમ જોઈએ છે… અમે યુસીસીને સ્વીકારીશું નહીં.. તમે મને જેલમાં મોકલી શકો છો.. પણ હું માનું છું કે મુદ્દઇ લાખ બુરા ચાહે મગર ક્યા હોતા હૈ, વહી હોતા હૈ જો મંજૂરે ખુદા હોતા હૈ.’
મમતાએ જણાવ્યું હતું કે આજે સ્થિતિ એવી છે કે કંઈ પણ થાય તો અમે કોર્ટમાં જઈએ છીએ.. અમારા લોકોને જામીન પણ નથી મળતા.. અમને ન્યાય જોઈએ છે. ભાજપને કોઈએ વોટ ન આપવો જોઈએ.
આ દરમિયાન મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ‘આ માટીમાં દરેકનું લોહી સમાયેલું છે… હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ… આ કોઈના બાપનું હિન્દુસ્તાન નથી.. આ ભાઈચારો અકબંધ રાખો.. હવે ભાજપનો અંધકાર દૂર થઇ સૂરજ નીકળવો જ જોઇએ. તેઓ હિંદુઓને મુસ્લિમો સાથે લડાવી સમાજમાં તિરાડ પાડવા માગે છે. આવા પક્ષનું વિસર્જન કે અંતિમ સંસ્કાર આગામી દિવસોમાં થવા જ જોઈએ..’