(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈથી સવારે 7.50 વાગ્યે ઉપડીને અયોધ્યામાં સવારે 10.20 વાગ્યે ઉતરનારી ફ્લાઈટમાં મંગળવારે ભારે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને ક્રુ મેમ્બર્સ જખમી થઈ ગયા હતા. આ ફ્લાઈટમાં દર્શન માટે જઈ રહેલા 300 રામ ભક્તોના જીવ અદ્ધર થઈ ગયા હતા. બીજી તરફ સ્પાઈસ જેટ કંપની દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફ્લાઈટમાં પાછળનો દરવાજો ખુલી જવા જેવી કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ નહોતી. વાતાવરણ ખરાબ હોવાને કારણે ટરબ્યુલન્સ થયું હોવાથી કેટલાક ઝટકા લાગ્યા હતા. બે ક્રુ મેમ્બર્સને નજીવી ઈજા થઈ હતી, જેમને ફર્સ્ટ એઈડ આપીને છોડી દેવાયા હતા.
અઢી-ત્રણ મિનિટ ચાલેલી વિશિષ્ટ સ્થિતિમાં અનેક પ્રવાસીઓ બેઠકમાંથી ઉછળ્યા:
મુંબઈના ઘાટકોપરના રહેવાસી મહેશ તન્નાએ આખા બનાવ વિશેની માહિતી ‘મુંબઈ સમાચાર’ને આપતાં જણાવ્યું હતું કે ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ પરથી સવારે સમયસર રવાના થઈ હતી. અચાનક 9.50 વાગ્યે વિમાન આડુ અવળું થવા લાગ્યું હતું. લગભગ ત્રણ મિનિટ સુધી અનેક ઝટકા લાગ્યા હતા. આ દરમિયાન કોઈ એનાઉન્સમેન્ટ પણ થઈ નહોતી. અમને પછી ખબર પડી હતી કે બે એર-હોસ્ટેસ ઈજાગ્રસ્ત થઈ છે અને અયોધ્યા એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ત્યાં તેમને લેવા માટે એમ્બ્યુલન્સ પણ આવી હતી. અમે પાઈલટને મળવા માગતા હતા, પરંતુ તેઓ સામે આવ્યા નહોતા. એક મહિલા કો-પાઈલટ અમને મળવા આવી હતી, પરંતુ તે પણ ભારે ગભરાયેલી લાગતી હતી. આટલું જ નહીં, સવારે 11.10 વાગ્યે મુંબઈ તરફ પાછી રવાના થતી આ ફ્લાઈટ રાતે આઠ વાગ્યા સુધી રવાના થઈ નહોતી એટલે અમારી શંકા દ્રઢ થઈ છે કે ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી અને પાછળનો દરવાજો ખુલી ગયો હતો, જેને કારણે ક્રુ મેમ્બર્સ જખમી થયા હતા.
પ્રવાસીઓએ તરત રામધુન ચાલુ કરી
બીજા એક પ્રવાસી ધર્મેન્દ્ર શાહે મુંબઈ સમાચારને એવી માહિતી આપી હતી કે ફ્લાઈટ હલી અને સીટ-બેલ્ટ બાંધ્યા ન હોય એવા પ્રવાસીઓ પોતાની સીટમાંથી ઉછળ્યા હતા તે અમે નજરે જોયું હતું. બધા ઝટકા પૂરા થયા બાદ એનાઉન્સમેન્ટ કરીને સીટ-બેલ્ટ બાંધવાનું જણાવવામાં આવ્યું હતું. આટલા ગંભીર બનાવ બાદ પણ વિમાની કંપનીના એકેય પ્રતિનિધિ દ્વારા પ્રવાસીઓને સાંત્વના આપવાનું પણ યોગ્ય માનવામાં ન આવ્યું તે અત્યંત ખેદજનક છે.
11.10 વાગ્યે પાછી ફરતી ફ્લાઈટ 8 વાગ્યા સુધી ન ઉપડતાં ટેક્નિકલ ખામી હોવાની પ્રવાસીઓની શંકા દ્રઢ:
અન્ય એક પ્રવાસી રમણિક મકવાણાએ મુંબઈ સમાચારને કહ્યું હતું કે ઉતરવાના અડધા કલાક પહેલાં ફ્લાઈટ અન-બેલેન્સ થઈ હતી. અઢી-ત્રણ મિનિટ અન-બેલેન્સ થયા બાદ તે બેલેન્સ થઈ હતી, પરંતુ ફરી પાછો એક જોરદાર ઝટકો લાગ્યો હતો અને કેટલાક લોકો સીટમાંથી ઉછળ્યા હતા. વાતાવણ ખરાબ હોય તો ઝટકા લાગે પરંતુ આ એવા ઝટકા નહોતા. વ્યાપારાર્થે અનેક વખત ફ્લાઈટની મુસાફરી કરતાં હોઈએ છીએ, પરંતુ આવો અનુભવ આ પહેલાં ક્યારેય થયો નથી. અમારી સાથે કેટલાક વિદેશી મુસાફરો પણ હતા, તેમનું પણ માનવું એવું જ છે કે ટરબ્યુલન્સ નહોતું, વિમાનનો દરવાજો ખુલી ગયો હતો અને તેને કારણે જ ફ્લાઈટ અન-બેલેન્સ થઈ હતી. આ તો બધા યાત્રાળુઓ હતા એટલે તરત રામધુન બોલાવવાનું ચાલુ કરી દેવામાં આવ્યું હતું. અયોેધ્યામાં સુખરુપ પહોંચ્યા પછી બધાની પહેલી પ્રતિક્રિયા એક જ હતી કે યાત્રા માટે આવી રહ્યા હોવાથી રામે બચાવી લીધા છે.
અયોધ્યા એરપોર્ટ પર ધમાલ
અયોધ્યાથી મુંબઈ આવનારી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી હોવાનો આક્ષેપ કરીને મંગળવારે સાંજે પ્રવાસીઓએ તેમાં બેસવાનો ઈનકાર કરી દીધો હતો અને આ મુદ્દે સ્પાઈસ જેટના ગ્રાઉન્ડ સ્ટાફ સાથે દલીલ થઈ હોવાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાઈરલ પણ થયો હતો, જેમાં પ્રવાસીઓ આ ફ્લાઈટ ખામી યુક્ત હોવાનું ખુદ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હોવાનું કહી રહ્યા છે. ગિરીશ નામની વ્યક્તિએ આ વીડિયો પોતાના અકાઉન્ટ પરથી શેર કર્યો હતો.
સ્પાઈસજેટનું શું કહેવું છે?
સ્પાઈસજેટ કંપનીના જનસંપર્ક અધિકારી તુષાર શ્રીવાસ્તવે મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે ફ્લાઈટનો પાછળનો દરવાજો ખુલી ગયા હોવાની વાતો ખોટી છે. વાસ્તવમાં ટરબ્યુલન્સ સર્જાયું હોવાથી ફ્લાઈટને ઝટકા લાગ્યા હતા અને તેમાં બે ક્રુ મેમ્બર્સને નજીવી ઈજા થઈ હતી. આવું સામાન્ય રીતે થતું હોય છે. જ્યારે પણ ટરબ્યુલન્સને કારણે ઈજા થાય ત્યારે એસઓપી મુજબ એમ્બ્યુલન્સ ઊભી રહેતી હોય છે અને તેથી પ્રવાસીઓને ગેરસમજ થઈ હોવાની શક્યતા રહેલી છે. ફ્લાઈટમાં કોઈ ટેક્નિકલ ખામી નહોતી. ફ્લાઈટ સવારે 11.10 વાગ્યે મુંબઈ તરફ આવવા રવાના થવાને બદલે રાતે આઠ વાગ્યા સુધી રવાના થઈ નહોતી તે અંગે તેમણે એવો ખુલાસો કર્યો હતો કે ટેક્નિકલ ક્ષતિને કારણે નહીં ઓપરેશનલ સમસ્યાને કારણે ફ્લાઈટના ઉડ્ડયનમાં વિલંબ થયો હતો. રાતે સાડા આઠ વાગ્યે આ ફ્લાઈટ મુંબઈ જવા રવાના થઈ હતી.