જરાંગે પાટીલની પીછેહઠ, બીજા બળવાખોરો શું કરશે? રાજકીય પક્ષોના જીવ ઉચક
મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયેલું છે. ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે અને દરેક પક્ષ તૈયારીઓમાં વ્યસ્ત છે. ઘણી જગ્યાએ મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોના બળવાખોર ઉમેદવારોને કારણે પક્ષોની ચિંતા વધી છે. આજે (4 ઓક્ટોબર) બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો સમય છે. ત્યાર પછી જ દરેક પક્ષોની એકંદર સ્થિતિ સ્પષ્ટ થશે.
સામાન્ય રીતે દિવાળીના દિવસોમાં નેતાઓ પણ તેમના પરિવાર સાથે દિવાળી મનાવતા હોય છે, પણ આ વખતે સ્થિતિ કંઇક અલગ છે. દરેક પક્ષની ટોચની નેતાગીરી બળવાખોરોના બળવાને ઠંડો પાડવા પ્રયાસ કરી રહી છે. દરેક પક્ષો બળવાખોર નેતાઓ સાથે ચર્ચા કરીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
શિંદેસેનાના નેતા સદા સરવણકરે માહિમથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપે અહીં મનસેના નેતા અમિત ઠાકરેને સમર્થન આપ્યું છે. સરવણકરની ઉમેદવારી પાછી ખેંચવા સીએમ શિંદે પર દબાણ છે. હવે સરવણકર શું કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
બોરીવલી મતવિસ્તારમાં ભાજપના નેતા ગોપાલ શેટ્ટીએ બળવો કર્યો છે. ઉમેદવારી પાછી ખેંચવા અંગે શેટ્ટી અને ફડણવીસ વચ્ચે ચર્ચા તો થઇ છે, પણ શેટ્ટીએ હજી સુધી પોતાનો નિર્ણય જાહેર કર્યો નથી. તેમના નિર્ણય પર બધાની નજર છે.
એનસીપી અજિત પવાર જૂથના નેતા નવાબ મલિકે પણ ઉમેદવારી નોંધાવી છે. ભાજપે મલિકની ઉમેદવારીનો વિરોધ કર્યો છે. તેથી મલિકની ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે અજિત પવાર પર દબાણ છે. નવાબ મલિક ચૂંટણી લડવા મક્કમ છે. નવાબ મલિકના જમાઇનું હાલમાં જ મૃત્યુ થયું હોવાથી તેઓ હાલમાં શોકમાં છે. મલિક શું નક્કી કરે છે બપોરે જાણવા મળશે.
નાસિક જિલ્લાના નંદગાંવ મતવિસ્તારમાં અજિત પવાર જૂથના છગન ભુજબળના ભત્રીજા સમીર ભુજબળે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. કોઈ પણ સંજોગોમાં તેઓ ઉમેદવારી પાછી ખેંચવા તૈયાર નથી. હવે છગન ભુજબળની મધ્યસ્થી કંઇ રંગ લાવે એમાટે બપોર સુધીની રાહ જોઇએ.
મહાયુતિની જેમ મહાવિકાસ આઘાડીમાં પણ બળવાખોરો છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ બળવો કર્યો છે અને ઉમેદવારી નોંધાવી છે. આ નેતાઓની અરજીઓ પરત ખેંચવા માટે કોંગ્રેસ દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો જારી છે. શરદ પવારની પાર્ટીમાં પણ બળવાખોર નેતાઓએ ઉમેદવારીપત્ર ભર્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની પણ આવી જ સ્થિતિ છે. હવે ટોચના નેતાઓની સમજાવટ શું રંગ લાવે છે તે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જાણવા મળશે.
આ પણ વાંચો…..મુખ્ય પ્રધાન સંબંધી ‘તે’ નિવેદનથી વિવાદ વકર્યો: ભાજપ-શિંદે સેના આમને-સામને
મનોજ જરાંગેની મોટી જાહેરાત, ચૂંટણી નહી લડે
મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે મુસ્લિમ અને દલિત સમુદાય સાથે મળીને વિધાનસભા ચૂંટણીનો સામનો કરવાની જાહેરાત કરી હતી. જો કે, હવે તેમણે જાહેરાત કરી છે કે તેઓ કોઈ પણ મતવિસ્તારમાં ઉમેદવાર નહીં ઉભા કરે કારણ કે ઉમેદવારી પરત ખેંચવાની સવાર સુધી તેમને મિત્ર પક્ષોના ઉમેદવારોની યાદી મળી નથી. મનોજ જરાંગે પાટીલે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય જાહેર કરતા કહ્યું કે મરાઠા સમુદાયના ઉમેદવારો એક જાતિના આધારે ચૂંટાઈ શકે નહીં. એક જાતિ પર ચૂંટણી લડવી અશક્ય છે.