કોલકાતા: લોકસભા ચૂંટણી પહેલા તૃણમુલ કોંગ્રેસમાં વિરોધના સુર ઉઠી રહ્યા છે, તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુણાલ ઘોષે પોતાની જ પાર્ટીના વરિષ્ઠ સાંસદ સુદીપ બંદોપાધ્યાય પર ગંભીર આરોપો લગાવી CBI-EDને તપાસ કરવા કહ્યું હતું. તેમણે કહ્યું કે કોલસા કૌભાંડ કેસમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સાંસદ સુદીપ બંદોપાધ્યાયના બેંક ખાતાની તપાસ થવી જોઈએ. તેમણે બંદ્યોપાધ્યાય જેવા પીઢ નેતાઓના વર્ગ પર પ્રહાર કરતા કહ્યું કે આ નેતાઓ ટીએમસીના સાંસદ કરતાં ભાજપના સાંસદ છે. ઘોષે શુક્રવારે TMC પ્રવક્તા અને પાર્ટીના રાજ્ય મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
કુણાલ ઘોષે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી. ઘોષે પોસ્ટમાં CBI અને EDને પણ ટેગ કર્યા છે. તેમણે પોસ્ટમાં કહ્યું કે સાંસદ સુદીપ બેનર્જીના બેંક ખાતાની તપાસ થવી જોઈએ. આ સાથે બેનર્જી અને ખાનગી હોસ્પિટલ વચ્ચે થયેલા પેમેન્ટની પણ તપાસ થવી જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો એજન્સીઓ તેમની માંગને મુલતવી રાખવાનો પ્રયાસ કરશે તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે. અગાઉ તેમણે કહ્યું હતું કે બંદોપાધ્યાય ભ્રષ્ટાચારના કેસમાં ફસાયા છે. આ કારણોસર તેમનું વલણ ભાજપ પ્રત્યે નરમ છે.
કુણાલ ઘોષે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી હતી. આ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે અનુભવી TMC સાંસદો આખા વર્ષ દરમિયાન તેમના મતવિસ્તારમાં દેખતા નથી. તેઓ લોકસભાની ચૂંટણી વખતે જ જાગે છે. TMC પાસે તેમના સ્થાને ઘણા યોગ્ય ઉમેદવારો છે, જે હંમેશા લોકોની સાથે હોય છે.
રાજ્યની TMC સરકારના પ્રધાન ફિરહાદ હકીમે ઘોષના આરોપો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. જો કે, વિધાનસભામાં ટીએમસીના ડેપ્યુટી ચીફ વ્હીપ તાપસ રોયે કહ્યું કે આ આરોપ ગંભીર છે. પાર્ટીએ આની તપાસ કરાવવી જોઈએ.
પદ છોડતી વખતે, ઘોષે X પર એક પોસ્ટ કરી કે તેઓ રાજ્ય મહાસચિવ અને તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તાનું પદ સંભાળવા માંગતા નથી. તેઓ આ સિસ્ટમમાં મિસફિટ છે,કામ કરવામાં અસમર્થ છે. તેઓ પાર્ટીમાં સૈનિક તરીકે રહેશે. મારી વિનંતી છે કે પક્ષપલટાની અફવાઓને ન ફેલાવો. મમતા બેનર્જી મારા નેતા છે, અભિષેક બેનર્જી મારા કમાન્ડર છે. તૃણમૂલ કોંગ્રેસ મારી પાર્ટી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વને તેમના રાજીનામાની જાણ કરી દીધી છે. આ પહેલા તેણે પોતાની મીડિયા પ્રોફાઇલમાંથી તૃણમૂલ કોંગ્રેસનો ઉલ્લેખ હટાવી દીધો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને