મુંબઈમાં કોરોનાની ફરી એન્ટ્રી, 53 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં…

મુંબઇ : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં મહારાષ્ટ્રના મુંબઇના કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં અઠવાડિયામાં નોંધાયેલા 80 કેસમાંથી મુંબઇમાં 53 કેસ નોંધાયા છે. જેના લીધે આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. જોકે, કોરોનાના લીધે કોઇ મૃત્યુ નોંધાયું નથી. ત્યારે મ્યુનિસિપલ વિસ્તારની હોસ્પિટલો એલર્ટ મોડમાં છે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે. તેમજ વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
મે મહિનાથી દર્દીઓની સંખ્યામાં વધારો
મુંબઇમાં જાન્યુઆરી 2025 થી એપ્રિલ 2025 સુધી કોવિડ દર્દીઓની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી હતી. પરંતુ મે મહિનાથી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કોર્પોરેશન વહીવટીતંત્રએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.આ અંગે મીડિયા સાથે વાતચીતમાં બીએમસીના એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર ડૉ. દક્ષા શાહે જણાવ્યું હતું કે, કેસ વધ્યા છે પરંતુ સંખ્યા ઓછી છે અને ચિંતા કરવાની કોઈ જરુર નથી.
કોરોનાના લીધે કોઇ મૃત્યુ નહિ : બીએમસી
આ દરમિયાન KEM હોસ્પિટલમાં 14 વર્ષની છોકરી અને 54 વર્ષની મહિલાના મૃત્યુના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. કેટલાક અહેવાલોમાં આ મૃત્યુને કોરોના સાથે જોડવામાં આવ્યા હતા. જોકે બીએમસીએ સ્પષ્ટતા કરી હતી કે બંને દર્દીઓનું મૃત્યુ કેન્સરની સાથે નેફ્રોટિક સિન્ડ્રોમ જેવી ગંભીર બીમારીઓને કારણે થયું છે. આ બંને દર્દીઓ સિંધુદુર્ગ અને ડોમ્બિવલીના રહેવાસી હતા.
હોસ્પિટલોમાં બેડની ક્ષમતા વધારવામાં આવશે
બીએમસીએ મીડિયાને જણાવ્યું હતું કે, સેવન હિલ્સ હોસ્પિટલમાં 20 (MICU) બેડ આરક્ષિત રાખવામાં આવ્યા છે. જ્યારે 20-20 બેડ બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ દરમિયાન કસ્તુરબા હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની સારવાર અને માર્ગદર્શન માટે બે ICU બેડ અને વોર્ડમાં 10 બેડ રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો કેસોની સંખ્યા વધુ વધશે તો હોસ્પિટલોમાં બેડની ક્ષમતા વધારવામાં આવશે.