આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

બાળકીઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં બદલાપુરમાં રેલ રોકો આંદોલન, બે કલાકથી રેલ વ્યવહાર ઠપ…

થાણેઃ થાણે જિલ્લાના બદલાપુરની એક જાણીતી કો-એડ સ્કૂલના પ્રિ-પ્રાઈમરી ક્લાસમાં અભ્યાસ કરતી ત્રણ વર્ષની માસુમ બાળકીઓનું શાળાના સફાઇ કર્મચારી દ્વારા કથિત રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના વિરોધમાં આજે બદલાપુરમાં વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુસ્સે ભરાયેલા દેખાવકારોએ બદલાપુર રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનને અટકાવી દીધી હતી.

બદલાપુરની નામાંકિત શાળામાં નર્સરી ક્લાસમાં ભણતી સાડા ત્રણ વર્ષની બે બાળકીઓના યૌન શોષણની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના 12 અને 13 ઓગસ્ટના રોજ બની હતી. બાળકી જયારે ટૉયલેટ ગઇ હતી ત્યારે ગર્લ્સ ટોયલેટમાં પુરૂષ સફાઈ કર્મચારીએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ પછી પીડિતા બાળકી શાળાએ જવા માટે તૈયાર ન હોવાથી તેના પરિવારને શંકા ગઇ હતી અને તેમણે તેની તબીબી તપાસ કરાવી હતી. તબીબી તપાસમાં ખબર પડી હતી કે તેને ટોર્ચર કરવામાં આવી હતી. ત્યાર બાદ શાળાની બીજી માસુમ બાળકી સાથે પણ આવી ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.
ત્રણ વર્ષની માસૂમ બાળકીઓના જાતીય શોષણનો મામલો સામે આવ્યો ત્યારે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં વિલંબથી વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મામલાએ વિરોધનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ ઘટના બાદ હવે બદલાપુરના નાગરિકો પણ રોષે ભરાયા છે. વાલીઓએ શાળાના ગેટની બહાર દેખાવો કર્યા હતા. બદલાપુરના નાગરિકોએ ટ્રેનને અટકાવી દીધી હતી. આ મામલામાં કડક કાર્યવાહીની માંગ સાથે આજે બદલાપુર બંધનું એલાન આપવામાં આવ્યું છે. બદલાપુર રેલ્વે સ્ટેશન પર સવારે 10 વાગે મુસાફરોએ રેલ રોકો આંદોલન ચાલુ કર્યું હતું, જેને કારણે મધ્ય રેલવેનો ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો.

આ મામલે શાળાએ બાળકીના પેરેન્ટ્સની માફી પણ માંગી છે અને આચાર્ય સહિત ચાર લોકોને સસ્પેન્ડ કર્યા છે. શાળાએ એ પણ સ્પષ્ટતા કરી છે કે આરોપી કર્મચારીને હાંકી કાઢવામાં આવ્યો છે અને તેની ભરતી કરનાર કોન્ટ્રાક્ટરને કાયમી ધોરણે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો છે. જે સ્થળે આ ઘટના બની હતી ત્યાંની મુખ્ય શિક્ષિકા, વર્ગ શિક્ષક અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે જવાબદાર બે જણને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

લોકોના વિરોધ બાદ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે આરોપી અક્ષય શિંદેને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button