Mahakumbh 2025: ગુજરાતમાંથી ત્રણ લાખ લોકો પહોંચશે, 20 વિશેષ ટ્રેન છતાં વેઈટિંગ…

અમદાવાદઃ ઉત્તર પ્રદેશની ધાર્મિક નગરી પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે આજથી મહાકુંભનો પ્રારંભ થયો છે. નવા વર્ષની શરૂઆતમાં પ્રયાગરાજનો મહાકુંભ ધરતી પર સૌથી મોટું આયોજન અને સૌથી મોટો માનવમેળો છે. 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભના આસ્થા અને ભક્તિના અનોખા સંગમમાં ડૂબકી લગાવવા માટે અંદાજે ગુજરાતમાંથી ત્રણ લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે. મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને પગલે રાજ્યમાંથી 20થી વધુ સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદથી પ્રયાગરાજની વિશેષ ફ્લાઈટની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : સુરતથી પ્રયાગરજ જતી ટ્રેન પર જળગાંવમાં પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા…
બસ, કાર સહિતના ખાનગી વાહનોથી શ્રદ્ધાળુઓ પહોંચશે પ્રયાગરાજ
મહાકુંભમાં ભાગ લેવાનો લહાવો લેવા માટે ગુજરાતથી અનેક લોકોએ ખાનગી બસ, કાર સહિતના ખાનગી વાહનો દ્વારા પ્રયાગરાજ પહોંચવાનું આયોજન કર્યું છે. આ ઉપરાંત ટ્રેનોમાં વેઈટિંગ સતત વધી રહ્યું છે. અમદાવાદથી પ્રયાગરાજ માટે જે નિયમિત ટ્રેન ચાલે છે તેમાં આગામી 26મી ફેબ્રુઆરી સુધી 100થી વધુનું વેઈટિંગ છે. આ સિવાય અમદાવાદ-બરાઉની એક્સપ્રેસમાં સ્લિપર ક્લાસમાં આગામી 26મી ફેબ્રુઆરી સુધી રિગ્રેટ (ખેદ)ની જાહેરાત કરી દેવાઈ છે. આ ટ્રેનમાં તો ટિકિટ જ મળવાની બંધ થઈ ગઈ છે.
કેટલું છે બસનું ભાડું
ટ્રેનોમાં બુકિંગ નહીં મળતાં કેટલાક ખાનગી ટૂર ઓપરેટર્સે અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે બસ શરૂ કરી છે. અમદાવાદથી પાંચ જેટલી ખાનગી બસમાં 35 કલાકની મુસાફરી માટે ભાડું રૂપિયા બે હજારથી લઈને રૂપિયા પાંચ હજાર સુધીનું છે. ફ્લાઇટની વાત કરવામાં આવે તો અમદાવાદથી આ ફ્લાઈટ સવારે 8:10ના ઉપડીને સવારે 9:55ના પ્રયાગરાજ પહોંચાડશે. આ ફ્લાઈટ માટે રૂ. 6 હજારથી લઇને રૂ. 14 હજાર સુધીનું ભાડું જોવા મળે છે.
આ પણ વાંચો : Mahakumbh Special: કુંભમાં જોવા મળશે ગંગા અવતરણ અને કુંભની મહાકથા!
બીજીતરફ પ્રયાગરાજમાં યાત્રીઓ સેવા માટે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારા કુંભમેળા દરમિયાન પ્રયાગરાજમાં મહા અન્ન ક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 થી વધુ સંતો અને સેવકો અને હરિભક્તો સેવા આપશે. મહાકુંભ આજથી 26મી ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં કરોડો ભક્તો મહાકુંભમાં આવશે. પ્રયાગરાજ ખાતે રસોઈ બનાવવાના રોટી બનાવવાના મશીનો સહિત અતિ આધુનિક મશીન પહોંચાડી દેવામાં આવી છે. દરરોજ ભક્તોને સવાર અને સાંજે સાત્વિક ભોજન પીરસવામાં આવશે.