પશ્ચિમ રેલવેમાં મહાબ્લોક શરુ થશેઃ આવતીકાલે આટલી ટ્રેન રદ થશે
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં છઠ્ઠી લાઈન માટે કામકાજ ચાલી રહ્યું છે, જેની લાંબા ગાળે ટ્રેનની મૂવમેન્ટથી લઈને નવી સર્વિસમાં વધારો થઈ શકે છે, પરંતુ આગામી પંદરેક દિવસ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને મુશ્કેલી પડી શકે છે. પશ્ચિમ રેલવેમાં રોજની હજારથી વધુ લોકલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, પરંતુ છઠ્ઠી લાઈનના કામકાજ માટે રોજની 250થી 350 ટ્રેન રદ કરવામાં આવશે, તેથી ટ્રેનો મોડી પડવા સાથે ગીચતા વધશે, એવું રેલવેએ સત્તાવાર જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેના ચર્ચગેટથી વિરાર/દહાણુ કોરિડોરમાં રોજની 1,300થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, પરંતુ ખાર અને ગોરેગાંવની વચ્ચે 8.8 કિલોમીટરના કોરિડોરમાં નવી રેલવે લાઈન તૈયાર કરવાનું કામ આવતીકાલથી ચાલુ કરવામાં આવશે, જે પાંચમી નવેમ્બર સુધી ચાલુ રહેશે. દસ દિવસ દરમિયાન સરેરાશ 2,525થી વધુ ટ્રેન રદ રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
છેલ્લા દસ દિવસમાં 27 અને 28મી ઓક્ટોબરના 256-256 ટ્રેન રદ રહેશે, જ્યારે રવિવારે 29મી તારીખના 230 (અપ એન્ડ ડાઉન) રદ થશે. 30, 31 અને પહેલી, બીજી અને ત્રીજી એમ પાંચ દિવસ 316 ટ્રેન રદ રહેશે. ચોથી નવેમ્બર અને પાંચમી નવેમ્બરના 110 ટ્રેન રદ રહેશે. એસી અને નોન-એસી લોકલ ટ્રેન નિયમિત રીતે રદ થવાને કારણે પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે, તેથી પ્રવાસીઓએ શક્ય એટલું પીક અવર્સમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડશે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
આવતીકાલથી પાંચમી નવેમ્બર સુધી પશ્ચિમ રેલવેમાં બ્લોકને કારણે બેસ્ટ પ્રશાસન દ્વારા વધુ બસની ફેરી દોડાવશે. ખાસ કરીને ગોરેગાંવથી સાંતાક્રુઝની વચ્ચે વધારે બસની સર્વિસ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, એસવી રોડ, લિંક રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈ-વે પર પણ વધુ બસો દોડાવવામાં આવશે. આવતીકાલ રદ રહેનારી 256 ટ્રેનની યાદી ચેક કરી લેજો.