Loksabha Election Result 2024 : પીએમ મોદીએ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ બોલાવી કેબિનેટની બેઠક
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ની (Loksabha Election Result 2024) મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપે(BJP) 242 લોકસભા સીટો જીતી છે. 30 બેઠકો બહુમતથી દૂર રહી. જ્યારે તેના સાથી પક્ષ JDUને 12 અને TDPને 16 બેઠકો મળી છે. ચિરાગ પાસવાનની એલજેપીએ તેની તમામ પાંચ બેઠકો જીતી લીધી છે. ભાજપ બહુમત મેળવી સરકાર બનાવવાથી દૂર રહી, પરંતુ એનડીએને(NDA) 292 સીટો સાથે પૂર્ણ બહુમતી મળી છે. લોકસભાના પરિણામો આવ્યા બાદ આજે બેઠકોનો દોર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાશે.
લોકસભા ચૂંટણીના આ પરિણામો વિપક્ષ માટે પણ સારા સમાચાર લઈને આવ્યા છે. 10 વર્ષ બાદ પ્રથમ વખત કોંગ્રેસનું પ્રદર્શન સુધર્યું છે. જોકે, તે 100નો આંકડો પાર નથી કર્યો . ઇન્ડી ગઠબંધને ચોક્કસપણે 200નો આંકડો પાર કર્યો છે. તેમણે 231 સીટો જીતી છે. કોંગ્રેસને 98, સમાજવાદી પાર્ટીને 36, તૃણમૂલ કોંગ્રેસને 29, ડીએમકેને 22 અને શિવસેનાને 9 બેઠકો મળી છે.
સ્મૃતિ ઈરાનીની અમેઠી લોકસભા બેઠક પરથી હાર
ભાજપે તેના ગઢ ઉત્તર પ્રદેશમાં જ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસી સીટ પર અત્યાર સુધીની સૌથી ઓછા મતથી જીત મળી છે. સ્મૃતિ ઈરાનીને અમેઠી લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધીએ રાયબરેલી અને વાયનાડ બંને બેઠકો પર જંગી જીત નોંધાવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ જેવા નેતાઓએ શાનદાર જીત નોંધાવી છે.
લોકસભા પરિણામો પૂર્વે મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધનને જબરજસ્ત બહુમતી આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસે દાવો કર્યો હતો કે તે 295 બેઠકો જીતી રહી છે.