નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી હવે બધા પક્ષો દ્વારા એકબીજા પર આરોપો-પ્રત્યારોપો ચાલુ થઈ ગયા છે. ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાયમ પોતાના ભાષણમાં વંશવાદનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે ત્યારે ભાજપમાં જ વંશવાદની વેલ ફૂલી ફાલી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનોની ભાજપમાં રહેલી ભરમાર વિશે જાણકારી મેળવીએ.
આ પણ વાંચો: કોંગ્રેસ પાર્ટી વંશવાદી રાજકારણ સિવાય કંઈ વિચારી શકતી નથીઃ મોદી
લોકસભાની ચૂંટણી પહેલાં અનેક ભૂતપૂર્વ વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાનના પરિવારના સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. હાલમાં જ હરિયાણાના પ્રધાન અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન દેવીલાલના પુત્ર રણજિત સિંહ ચૌટાલા સૌથી તાજું ઉદાહરણ છે. રણજિત સિંહને હિસારથી પાર્ટીએ ઉમેદવારી આપી છે.
આ પણ વાંચો: રાજસ્થાનમાં મહારાણા પ્રતાપના વંશજ ભાજપમાં જોડાયા, છે આ વ્યૂહરચના
આ યાદીમાં કૉંગ્રેસના બે બિન-ગાંધી વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને પી. વી. નરસિંહા રાવના પરિવારજનોનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ બિન-ગાંધી વડા પ્રધાનોની અવગણના કરતી હોવાનો આરોપ કાયમ લગાવવામાં આવતો હોય છે.
વંશવાદ પર શું બોલ્યા હતા વડા પ્રધાન મોદી?
ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંસદને કરવામાં આવેલા સંબોધન પરના ધન્યવાદ પ્રસ્તાવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર વંશવાદ માટે આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે દેશ પરિવારવાદથી ત્રસ્ત થઈ ગયો છે. વિપક્ષમાં એક જ પરિવારની પાર્ટી છે. અમને જુઓ, બીજેપી ન રાજનાથજીની પાર્ટી છે કે ન અમિત શાહની પાર્ટી છે. અમારે ત્યાં એક પરિવારની પાર્ટી સર્વેસર્વા નથી. કોંગ્રેસના પરિવારવાદનું નુકસાન દેશને ઉઠાવવું પડ્યું છે. લોકતંત્ર માટે આ યોગ્ય નથી.
પરિવારવાદની વ્યાખ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરિવારવાદને સમજાવતાં કહ્યું હતું કે અમે ક્યા પરિવારના વંશવાદની વાત કરીએ છીએ? જો કોઈ પરિવારમાં એકથી વધુ લોકો જનસમર્થન પર પોતાની ક્ષમતાને આધારે રાજકારણમાં આવે તો તેને પરિવારવાદ કહી શકાય નહીં. જ્યારે એક જ પાર્ટી પરિવાર ચલાવે, જ્યારે એક જ પરિવાર પાર્ટીના બધા નિર્ણયો લેતો હોય એને પરિવારવાદ કહી શકાય છે. અમે પણ ઈચ્છીએ છીએ કે એક જ પરિવારના 10 સભ્યો રાજકારણમાં આવે. નવયુવકો રાજકારણમાં આવે, પરંતુ પરિવારવાદને આધારે નહીં. આ ચિંતાનું કારણ છે.
પી. વી. નરસિંહા રાવના પુત્ર ભાજપમાં
મોદી સરકારે આ વર્ષે ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહા રાવને મરણોપરાંત ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ તેમના પુત્ર પ્રભાકર રાવે વડા પ્રધાનની પ્રશંસા પણ કરી હતી. હવે એવું જાણવા મળ્યું છે કે પ્રભાકર રાવ ટૂંક સમયમાાં તેલંગણા ભાજપમાં સામેલ થઈ શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે નરસિંહા રાવના પૌત્ર એન. વી. સુભાષ પહેલેથી જ ભાજપમાં છે. પી. વી. નરસિંહા રાવ 1991થી 1996 સુધી ભારતના નવમા વડા પ્રધાન તરીકે કાર્યરત હતા. 28 જૂન, 1921માં તેલંગણાના વારંગલ જિલ્લાના વંગારા ગામમાં જન્મેલા નરસિંહા રાવે 90ના દાયકામાં નવી ઔદ્યોગિક નીતિ લાગુ કરી હતી અને તેને પગલે દેશમાં વિદેશી રોકાણ આવ્યું હતું. ભારતને વૈશ્ર્વિક અર્થ વ્યવસ્થા સાથે જોડવામાં આ ઘણું મોટું યોગદાન હતું. તેઓ 18 ભાષાના જાણકાર હતા.
ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખર
2019માં ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરે સમાજવાદી પાર્ટી અને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા અને તેઓ 2007 અને 2009માં બે વખત બલિયાથી સંસદસભ્ય ચૂંટાયા હતા. તેમના પહેલાં તેમના પિતા આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. નીરજ શેખર અત્યારે ભાજપના ક્વોટામાંથી રાજ્યસભાના સંસદસભ્ય છે.
ચંદ્રશેખર 10 નવેમ્બર 1990થી 21 જૂન 1991 સુધી દેશના વડા પ્રધાન રહ્યા હતા અને તેમણે લઘુમતી સરકારનું સંચાલન કર્યું હતું. જનતા દળથી અલગ થઈને પણ તેમણે પોતાની રાજકીય કુશળતાનો પરિચય આપ્યો હતો.
ચૌધરી ચરણ સિંહના પૌત્ર જયંત ચૌધરી
જનતા પાર્ટીના કદાવર નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહના પુત્ર અજિત સિંહ એવા નેતા હતા જેમણે ભારતીય રાજકારણમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું હતું. તેમણે રાષ્ટ્રીય લોક દળ (આરએલડી)ની સ્થાપના કરી અને એનડીએ તેમ જ યુપીએ બંને ગઠબંધન સરકારમાં તેઓ પ્રધાન હતા. હવે તેમના પુત્ર જયંત ચૌધરીએ લોકસભાની ચૂંટણીમાં વિપક્ષી મોરચાનો સાથ છોડીને એનડીએમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.
એચ. ડી. દેવગૌડાના પુત્ર અને પૌત્ર
ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવગૌડાના નેતૃત્વ હેઠળની જનતા દળ (સેક્યુલર) અત્યારે કર્ણાટકમાં એનડીએની સાથે ગઠબંધનમાં છે. 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએએ જેડીએસની સાથે ત્રણ બેઠકો પર ગઠબંધન કર્યું છે. કર્ણાટકની હાસન લોકસભા બેઠક દેવગૌડા પરિવારનો ગઢ છે. 1996માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારનું પતન થયા બાદ દેવગૌડાએ વડા પ્રધાનપદ સંભાળ્યું હતું. કોઈપણ પાર્ટી પાસે બહુમત નહોતો ત્યારે તેમણે સંયુક્ત સરકારનું સંચાલન કર્યું હતું.
લાલ બહાદુર શાસ્ત્રીનો પરિવાર
ભારતના બીજા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પરિવારમાં રાજકારણનો લાંબો ઈતિહાસ છે. બે પેઢીમાં 22 સભ્યોમાંથી 9 લોકોએ અલગ-અલગ રાજકીય પક્ષો સાથે પોતાની કારકીર્દિ બનાવી છે. લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર અને હરિકૃષ્ણ શાસ્ત્રીના પુત્ર વિભાકર શાસ્ત્રી આ જ વર્ષે ફેબ્રુઆરીમાં કૉંંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનના પુત્ર હરિકૃષ્ણ શાસ્ત્રી કાયમ કૉંગ્રેસની સાથે જ રહ્યા હતા. તેમના નાના પુત્ર સુનિલ શાસ્ત્રી અનેક વખત કૉંગ્રેસ-ભાજપ વચ્ચે આંટાફેરા કરી ચૂક્યા છે. શાસ્ત્રી પરિવારના બાકીના સભ્યો કૉંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોક દળ સહિત અલગ અલગ પાર્ટીમાં રહ્યા છે.
નાયબ મુખ્ય પ્રધાન લાલકૃષ્ણ અડવાણીનો પરિવાર ક્યાં?
લાલકૃષ્ણ અડવાણી સૌથી લાંબો સમય માટે ભાજપના અધ્યક્ષ રહ્યા હતા. તેઓ 1970માં પહેલી વખત સંસદસભ્ય બન્યા હતા. 1999થી 2004 સુધી દેશના નાયબ વડા પ્રધાન રહેલા અડવાણીના પરિવારમાં પુત્ર જયંત અડવાણી અને પુત્રી પ્રતિભા અડવાણી છે. તેમના પરિવારનો કોઈ પણ સભ્ય રાજકારણમાં નથી. જયંત અડવાણી બિઝનેસમેન છે. એવું કહેવાય છે કે અડવાણીજી એવું માનતા હતા કે તેમના સંતાનો રાજકારણમાં આવે તો તેમના પર વંશવાદનો આરોપ લાગી શકે એટલે તેઓ ઈચ્છતા નહોતા કે તેમના સંતાનો રાજકારણમાં આવે.