લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચ પર રહેશે નજર જાણો ઉમેદવાર કેટલા નાણાં ખર્ચ કરી શકે?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં નાણાં અને શક્તિનો ઉપયોગ વધી રહ્યો છે અને ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી પંચની નજર પણ રહેવાની છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં દરેક સંસદીય વિસ્તારમાં ઉમેદવાર પોતાના પ્રચાર પર કેટલો ખર્ચ કરે છે તેનું ધ્યાન રાખવા માટે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરની નજર રહેશે. આ વર્ષે લોકસભાની ચૂંટણી માટે મોટા રાજ્યોમાં ખર્ચની મર્યાદા રૂ. 95 લાખ અને નાના રાજ્યોમાં ચૂંટણી ખર્ચની મર્યાદા રૂ. 75 લાખ નક્કી કરવામાં આવી છે.
આ વખતે લોકસભાની ચૂંટણીમાં પંચ દ્વારા નિયુક્ત એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરની ચૂંટણીના દરેક નાના મોટા ખર્ચ પર નજર રહેશે. રોજની ચૂંટણી રેલીઓ, સભાઓ, ઈલેક્શન પોસ્ટર્સ અને કેમ્પેઈન સામગ્રી, ગાડીઓ, હેલિકોપ્ટરો, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં જાહેરાતો વગેરે પર થતા મોટા ખર્ચની સાથે જ ચૂંટણીના પ્રચાર દરમિયાન ચા, બિસ્કિટ, સમોસા-જલેબી, બ્રેડ પકોડા જેવી વસ્તુ પર થનારા ખર્ચ પર પણ નજર રાખશે અને તેની દૈનિક ખાતાવહી પણ બનાવશે.
2019ની ચૂંટણી વખતે વિજયી થયેલા 514 ઉમેદવારો દ્વારા ચૂંટણી પંચમાં રજૂ કરવામાં આવેલા ખર્ચની વિગતો પર નજર નાખતાં કેટલીક રસપ્રદ બાબતો જાણવા મલી હતી. ચૂંટણી જીતનારા 53 ઉમેદવારે જણાવ્યું હતું કે તેમણે નિર્ધારિત રૂ. 70 લાખની મર્યાદાના ફક્ત 50 ટકાથી પણ ઓછી રકમનો ખર્ચ કર્યો હતો. ફક્ત બે સંસદસભ્યોએ કહ્યું હતું કે તેમણે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ખર્ચ ચૂંટણી પાછળ કર્યો હતો. 514 ઉમેદવારે સરેરાશ 70 લાખની મર્યાદાના 73 ટકા ખર્ચ કર્યો હતો.
ચૂંટણી જીતનારા ભાજપના 291 સંસદસભ્યોએ ચૂંટણી પર સરેરાશ 51.31 ટકા રકમનો ખર્ચ કર્યો હતો. કૉંગ્રેસના સંસદસભ્યોએ સરેરાશ 51.72 ટકા, તૃણમુલ કૉંગ્રેસના સંસદસભ્યોએ 54 ટકા, ડીએમકેના 21 સંસદસભ્યોએ સરેરાશ 45.78 લાખનો ખર્ચ કર્યો હતો.