લોકસભા ચૂંટણી: ગુજરાત અને યુપી માટે કોંગ્રેસને સક્ષમ ઉમેદવાર મળી રહ્યાં નથી, જાણો શું છે કારણ?
કોંગ્રેસે જે પહેલું લિસ્ટ જાહેર કર્યું તેમાં ઉત્તર ભારતની લોકસભા સીટોના ઉમેદવારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેનું કારણ કોંગ્રેસ પાસે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની અછત છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ અને તેના એનડીએ ગઢબંધનના સાથી પક્ષોએ ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરૂ કર્યું છે, જો કે કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. કોંગ્રેસના નેતાઓના વલણને જોતા એવું લાગી રહ્યું છે કે તેમણે રણમેદાનમાં ઉતરતા પહેલા જ હાર માની લીધી છે. યુપી કોંગ્રેસના નેતાઓ પોતાની જ સીટ પરથી ચૂંટણી લડવા માંગતા નથી, ત્યારે કેટલાક તેમની ગમતી સીટ ઈન્ડિયા એલાયન્સના સાથી પક્ષ સમાજવાદી પાર્ટીના ખાતામાં જતી રહેતા નિરાશ થઈ ગયા છે. કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા કોંગ્રેસની દાવેદારીને લઈ સવાલો થઈ રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસમાં પણ ઘોર નિરાસા
ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતની લોકસભા સીટોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર, સી.જે. ચાવડા સહિતના અગ્રણી નેતાઓએ કોંગ્રેસ સાથેનો છેડો ફાંડી નાખ્યો છે. ભાજપે સામાજીક કે જે તે વિસ્તારોમાં વર્ચસ્વ ધરાવતા કોંગ્રેસના નેતાઓને પોતાની તરફ ખેંચી લીધા છે. હાલ ગુજરાત કોંગ્રેસમાં ઘોર નિરાશાનો માહોલ છે. આ સ્થિતીમાં ભાજપના ઉમેદવારો સામે લડી શકે તેવા કોઈ સક્ષમ ઉમેદવાર રહ્યા નથી. કોંગ્રેસ પાર્ટીના અગ્રણી નેતા ઉપરાંત કાર્યકરોમાં પણ નિરૂત્સાહ જોવા મળી રહ્યો છે. હવે આ પરિસ્થિતીમાં કોંગ્રેસને ગુજરાતમાં પણ ઉમેદવારોની અછતનો સામનો કરવો પડશે તેવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે.
અમેઠી-રાયબરેલી
અમેઠી-રાયબરેલી ગાંધી-નેહરુ પરિવારની પરંપરાગત બેઠક રહી છે. હવે રાહુલ અને પ્રિયંકા ગાંધી પોતે આ બેઠકો પરથી ચૂંટણી લડવા માટે બહુ ઉત્સુક નથી. પરંપરાગત અમેઠી-રાયબરેલીથી ચૂંટણી ન લડવા પાછળ ઘણા કારણો છે. અમેઠીમાં મળેલી હારથી રાહુલનું મન અને દિલ તૂટી ગયું. તેમણે પાંચ વર્ષમાં કુલ ચાર વખત અમેઠીની મુલાકાત લીધી હતી. અમેઠીમાં ચાલતા સ્વ-સહાય જૂથની ઓફિસ પાસે એક ગાડી હતી. ચૂંટણી સમયે ગ્રુપની મહિલાઓએ રાહુલની કોર ટીમની જેમ દરેક ગામમાં કામ કર્યું હતું. પરંતુ હવે બધું તે 2019થી બંધ છે.
રાહુલનું ગૌરીગંજમાં પોતાનું ઘર અને હેડક્વાર્ટર છે. 2019 પહેલા જિલ્લાનું રાજકારણ ઘરથી ચાલતું હતું. રાહુલની હાર બાદ ઘર બંધ છે. કર્મચારીઓએ 2019 થી મુન્શીગંજ ગેસ્ટ હાઉસમાં રહેવાનું શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડવાના બદલે પોતાને રાજ્યસભામાં મોકલવા માટે દબાણ કરી રહી છે.
સોનિયા ગાંધીએ રાયબરેલીના લોકોને લખેલા પત્રમાં પ્રિયંકાએ રાહુલના આશીર્વાદ રાખવાનો પણ ઉલ્લેખ નથી કર્યો. રાયબરેલીની રાજનીતિ સોનિયા-રાહુલ-પ્રિયંકાના ઘરેથી ચાલી રહી છે. આ ઘર ઘણા વર્ષોથી માલિકોના આવવાની રાહ જોઈ રહ્યું છે.
યુપી અને કોંગ્રેસની સૌથી મહત્વની બેઠક અમેઠી-રાયબરેલીની પ્રથમ કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં પણ ચર્ચા કરવામાં આવી ન હતી. અમેઠી-રાયબરેલી અંગે યુપી સાથે ચર્ચા કરીને નિર્ણય લેવો પડશે. ગાંધી પરિવારની ઉદાસીનતાના કારણે અમેઠી-રાયબરેલી અંગેનો નિર્ણય હોલ્ડ પર રાખવામાં આવ્યો છે.
વારાણસી
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે બલિયાથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બલિયા રાજ્યમાં ભૂમિહારનો સૌથી મોટો ગઢ માનવામાં આવે છે. બલિયા બેઠક ગઠબંધનના ખાતામાં ગઈ છે. આવી સ્થિતિમાં 2014થી પીએમ મોદી સામે સતત હારતા અજય રાય આ વખતે પણ બનારસ સીટ પર ચૂંટણી લડીને શહીદ થવા નથી માંગતા.
બારાબંકી
કોંગ્રેસે દલિત નેતા પીએલ પુનિયાના પુત્ર તનુજ પુનિયાને બારાબંકીથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે કથિત સેક્સ સીડી મામલે ભાજપના ઉમેદવારે બારાબંકી સીટ પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. આથી તનુજ પુનિયા હવે સુનીલ બંસલ દ્વારા અમિત શાહને મળવાનો પ્રયાસ કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પરાજયની હેટ્રિકથી બચવા માટે તનુજ પુનિયા કોંગ્રેસ છોડીને ભાજપમાંથી ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે.
ફરુખાબાદ
પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ ફરુખાબાદથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા હતા. સીટ ગઠબંધનમાં જતાં સલમાન ખુર્શીદ નારાજ થઈ ગયા છે. કોંગ્રેસના દિગ્ગજ મુસ્લિમ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ગોંડા
નસીમુદ્દીન સિદ્દીકીને કોંગ્રેસમાં બીજા મોટા લઘુમતી નેતા માનવામાં આવે છે. એક સમયે ઉત્તર પ્રદેશમાં 18 વિભાગો સંભાળનાર નસીમુદ્દીન સિદ્દીકી ગોંડા બેઠક પરથી ચૂંટણી લડવા માગતા હતા. સમજૂતી હેઠળ ગોંડા સીટ ગઠબંધન પાસે ગઈ છે. હવે કોંગ્રેસ અન્ય સીટ પરથી ચૂંટણી લડવાની તક આપવા માંગે છે પરંતુ નસીમુદ્દીન સિદ્દીકી તૈયાર નથી.
મહારાજગંજ
છેલ્લી લોકસભા ચૂંટણીમાં સુપ્રિયા શ્રીનેત મહારાજગંજ સીટ પર પોતાની ડિપોઝીટ પણ બચાવી શકી ન હતી. ગઠબંધનમાં, સુપ્રિયા શ્રીનેત માટે મહારાજગંજ સીટ છોડી દેવામાં આવી છે, પરંતુ તે સોશિયલ મીડિયાના કામ અને પ્રવક્તાની ભૂમિકાને ટાંકીને ચૂંટણી લડવા માંગતી નથી. તે જ પ્રકારે રાજ બબ્બર પણ ફતેહપુર સીક્રીથી ચૂંટણી લડવા માંગતા નથી.
ખીરી
ખીરીના પૂર્વ સાંસદ રવિ વર્માને પરંપરાગત સીટની જગ્યાએ સીતાપુરથી ચૂંટણી લડવાનું કહેવામાં આવી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે હાલમાં રવિ વર્મા સીતાપુર માટે રાજી હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રવિ વર્મા પોતે ચૂંટણી લડવાને બદલે તેમની પુત્રી પૂર્વી વર્મા ખીરીથી ચૂંટણી લડે તેવું ઈચ્છતા હતા.
ભદોહી
બનારસના પૂર્વ સાંસદ રાજેશ મિશ્રા ભદોહીથી ચૂંટણી લડવા માંગતા હતા. ભદોહી બેઠક પણ મહાગઠબંધન પાસે ગઈ. તેમની પસંદગીની બેઠક ન મળવાને કારણે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે ભાજપ રાજેશ મિશ્રાને ભદોહી સીટ પરથી ઉતારી શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા ભૂતપૂર્વ સાંસદો કાં તો તેમની પસંદગીની બેઠકો ન મળવાને કારણે ચૂંટણી લડવા માંગતા નથી અથવા તો બીજેપીનો દરવાજો ખટખટાવી રહ્યા છે. કોંગ્રેસને ગાઝિયાબાદ, મથુરા, બુલંદશહેરમાં ચૂંટણી લડવા માટે ઉમેદવારો નથી મળી રહ્યા. સક્ષમ ઉમેદવારોની અનિચ્છાના કારણે આ બેઠકો પર કોંગ્રેસનો દાવો નબળો પડતો દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં લડતા પહેલા સેનાપતિ સહિત સમગ્ર કોંગ્રેસ આત્મસમર્પણ કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.