લોકસભા ચૂંટણી: કોંગ્રેસનાં ઉમેદવાર નૈષધ દેસાઈએ, હરીફ સી આર પાટિલના કાનમાં શું ફૂંક મારી ?
અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું
ગાંધીનગર: ગુજરાતમાં 26 લોકસભા બેઠકો ફરી એક વાર જીતવા સાથે ‘અબ કી બાર 400 પાર’ ના નારા સાથે ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણી મેદાનમાં છે. ગુજરાતમાં આજે નામાંકન ભરવાના અંતિમ દિવસે કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું.
અમિત શાહ સાથે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી,અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. નામાંકના દાખલ કર્યા પૂર્વે ગુરુવારે અમિત શાહે ધોમધખતા 40 ડિગ્રી તાપમાનમાં ભવ્ય રોડ શો કર્યો હતો.જેમાં ગાંધીનગર વિધાનસભાની સાતેય બેઠકોને આવરી લેવાઈ હતી. તો નવસારીથી સાંસદ સી આર પાટિલે પણ આજે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. પાટિલ નામાંકન વેળા પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવાર કોંગ્રેસનાં નૈષધ દેસાઈને મળી ગયા જ્યાં પાટિલ સાથે નૈષધ દેસાઈની ‘કાનમાં કહું’ સોશિયલ મીડિયા પર ‘ટોક ઓફ ગુજરાત’ બની ગઈ છે.
બીજી તરફ,રાજકોટમાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ઉમેદવારી પત્રક ભર્યું. નામાંકન પૂર્વે ધાનાણીએ જનસભાને સંબોધી હતી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રૂપાલા સામેના ક્ષત્રિય સમાજના આક્રોશને મતપત્રક મારફત કોંગ્રેસમાં તબદીલ કરવાની રણનીતિ સાથે પરેશ ધાનાણીને રાજકોટથી મેદાનમાં ઉતારાયા છે.
આ પણ વાંચો: સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી
આ બંને બળિયા, અમરેલીની બહાર ચૂંટણી જંગમાં 22 વર્ષ બાદ પહેલી વાર લોકસભામાં માં ટકરાઇ રહ્યા છે. ક્ષત્રિય આંદોલનની દિશા અને ભાગ 2 ટૂંક જ સમયમાં રણનીતિ સાથે સામે આવશે.પણ એક વાત ચોક્કસ છે કે જે 300 જેટલી ક્ષત્રિય મહિલાઓ રૂપાલા સામે ઉમેદવારી કરવાની હતી તે હવે નથી કરવાની. જો કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહી જ દીધું છે કે, કોઈ નારાજગી નથી.
જુનાગઢ લોકસભા બેઠકમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને લાંબી ગડમથલ બાદ રિપીટ કરાયા છે. વેરાવળના ડો ચગના આત્મ હત્યા કેસમાં તેમનું નામ ઉછળ્યુ હતું. ત્યારથી કેટલીક નારાજગી છે સાથે સાંસદ કોઈ ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તારમાં વિકાસ કાર્યો કરી શક્યા ના હોવાની નારાજગી છે. સામે પક્ષે હીરા જોટવા કોંગ્રેસનાં ઉમેદવાર છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં સેવા આપી ચૂક્યા છે.
બનાસ કાંઠામાં ગેની બહેન ઠાકોર વર્તમાન ધારાસભ્ય છે કોંગ્રેસે તેમને લોકસભામાં ઉતાર્યા છે.ગેની બહેન ફાયર બ્રાન્ડ નેતા છે.તો સામે ભાજપે ડો રેખા ચૌધરીને લોકસભાની ટિકિટ આપી છે.આ પૂર્વે પરબત પટેલ ભાજપના સાંસદ હતા. બનાસકાંઠાના વિકાસનો મુદ્દો, રોજગારી, પાણી,ખેડૂતનો સ્થિતિ ગ્રામીનમાં અસરકારક મુદ્દો રહેશે.
સાબર કાંઠામાં કોંગ્રેસનાં ડો તુષાર ચૌધરી લોકસભામાં ઉમેદવાર છે.ચૌધરી કોંગ્રેસનાં ધારાસભ્ય છે અને યુપીએ સરકારમાં કેન્દ્રિય મંત્રી પણ રહી ચૂક્યા છે. ભાજપે એક વિવાદ બાદ પોતાના ઉમેદવાર બદલવા પડ્યા છે. સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર વ્યાવસાયિક શિક્ષિકા શોભના બહેન બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે.
સૌરાષ્ટ્રની એક બેઠક એટલે અમરેલી. આ બેઠક પર કોંગ્રેસે પહેલી વાર મહિલાને ટિકિટ આપી છે. સુશિક્ષિત અને રાજકારની પરિવારમાથી આવતા જેની બહેન ઠૂંમર વિદેશથી અભ્યાસ કરી આવ્યા છે. તેમના પિતા વીરજી ઠૂંમર કોંગ્રેસના નેતા, પૂર્વ ધારાસભ્ય અને સાંસદ પણ રહી ચૂક્યા છે. અહીં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા છે,અભ્યાસ દસમું પાસ છે અને પાર્ટીના પાયાના કાર્યકર હોવા સાથે તાલુકા પંચાયતના પ્રમુખની જવાબદારી સંભાળી ચૂક્યા છે.
આમ, ભાજપે વડોદરા અને સાબર કાંઠામાં ઉમેદવાર બદલ્યા છે.કોંગ્રેસ પાસે કશું જ નથી. છેલ્લી બે ટર્મથી તમામ 26 બેઠકો પર ભાજપનો કબજો છે. પણ આ વખતે કેટલીક બેઠકો પર કોંગ્રેસે કેટલાક પડકારજંક ઉમેદવારો ઉતાર્યા છે. જેથી કોંગ્રેસની આશા આ વખતે ઊજળી છે.