દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેવા સમયે પીએમ મોદી પણ દેશના મોટાભાગના રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પીએમ મોદીએ ત્રીજા તબક્કાના મતદાન માટેના રાજયોમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ હવે ચોથા અને પાંચમા તબક્કાના મતદાન માટેના રાજ્યોમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પીએમ મોદી બે દિવસ યુપીમાં ચોથા અને પાંચમા તબક્કાના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરીને વાતાવરણ સર્જશે.પીએમ મોદી શનિવારે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો માટે ચૂંટણી પ્રચાર કરશે. પીએમ મોદી યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે.
ભાજપ દ્વારા નક્કી કરાયેલા કાર્યક્રમ અનુસાર, શનિવારે વડાપ્રધાન અકબરપુર લોકસભાના કલ્યાણપુર વિધાનસભા ક્ષેત્રમાં સ્થિત ગુમટી નંબર 5 પાસે આવેલા ગુરુદ્વારામાં દર્શન કરશે. ત્યારબાદ તેઓ ખોયા મંડી તિરાહાથી કાલપી રોડ સુધી રોડ શો કરશે.
પીએમ મોદી યુપીના તેમના ચૂંટણી પ્રવાસ પર રવિવારે ઇટાવા પણ પહોંચશે. અહીં ભરથાણા વિધાનસભા ક્ષેત્રમાં, તેઓ ઇટાવા, કન્નૌજ અને મૈનપુરી લોકસભા બેઠકોના ઉમેદવારો માટે જાહેર સભા કરશે.જેની બાદ પીએમ મોદી હરગાંવ વિધાનસભા ક્ષેત્રમાં ધૌરહરા, સીતાપુર અને ખેરી લોકસભા બેઠકો માટે જાહેર સભા કરશે. અહીં સભા બાદ વડાપ્રધાન સાંજે અયોધ્યા પહોંચશે. વડાપ્રધાન ત્યાં શ્રી રામલલાના દર્શન કરશે. આ પછી સુગ્રીવ કિલ્લાથી લતા મંગેશકર ચોક સુધી રોડ શો કરશે.