
આખા વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર અને વિશ્વને સત્ય અને અહિંસાનો સંદેશ આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો આજે જન્મદિવસ છે ત્યારે તેમની જેમ જ કદમાં નાના પણ જીવનમૂલ્યો અને કર્તવ્યોમાં મોટા એવા દેશના ત્રીજા વડા પ્રધાન લાલ બહારદુર શાસ્ત્રીનો પણ આજે જન્મદિવસ છે. આજે તેમની 120મી જન્મતિથિ છે. દેશને જય જવાન જય કિસાનનો નારો આપનારા લાલ બહાદુર શાસ્ત્રી જેટલું સરળ જીવન લગભગ કોઈ નેતા વડા પ્રધાનપદ પર પહોંચી જીવી શક્યા હશે.
ખૂબ જ સામન્ય પરિવારમાંથી આવેલા શાસ્ત્રીજી પોતાના શિસ્ત અને સિદ્ધાંતો માટે યાદ કરવામાં આવે છે. તેમના જીવનની એવી ઘણી ઘટનાઓ છે જે આજના રાજકારણીઓને જોતા માનવામાં આવે તેમ નથી.
વંશવાદ અને ભાઈભત્રીજાઓને આગળ કરવામાંથી ઉંચા ન આવતા આજના રાજકારણીઓ શાસ્ત્રીજી પાસેથી થોડું થોડું શિખે. એકવાર શાસ્ત્રીના ધ્યાનમાં આવ્યું કે તેમના દીકરાને પ્રમોશન આપવામાં આવ્યું છે, પરંતુ તે મેરિટ પ્રમાણે નથી. તે આ પ્રમોશન માટે પાત્ર નથી તે વાત ધ્યાનમાં આવતા તેમણે તેની ફાઈલ અટકાવી દીધી હતી. અહીં તો રાજકારણીઓના દીકરાઓ નોકરી કરે…તેમને કાં તો સીધા કોઈ પદ પર બેસાડવામાં આવે અથવા પાર્ટી જે તે ચૂંટણીમાં ટિકિટ આપી દે અને પેઢી દર પેઢી તેમને પદ મળતું રહે અને પાર્ટીના જ અન્ય પાત્ર કાર્યકર્તા માત્ર ઝંડા લઈને ફર્યા કરે.
તો બીજી બાજુ કોઈ મંત્રી તો ઠીક સામાન્ય એવા કોઈ બોર્ડના ચેરમેન હોય તો પણ પોતાનો કાફલો લઈને ફરે. જ્યારે એકવાર શાસ્ત્રીજી કોલકાત્તાથી નવી દિલ્હી ફ્લાઈટમાં જઈ રહ્યા હતા. રસ્તામાં ટ્રાફિકમાં ફસાયા. પોલીસ કમિશનરે કહ્યું કે સાયરનવાળા એસ્કોટને આગળ કરી જામમાંથી નીકળી જઈએ, પણ આમ કરવાથી લોકોને તકલીફ પડશે તેમ કહી શાસ્ત્રીએ કોઈ ફેરફાર ન કરવા કહ્યું.
1965માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ બાદ સંભિવત આર્થિક ભીંસનો અંદાજ મેળવી ચૂકેલા શાસ્ત્રીજીએ એક ટાઈમ જ ભોજન લેવાનું અને પરિવારને પણ કરકસર શરૂ કરી દેવાનું કહ્યું હતું તે વાત જગજાહેર છે.
આજની પેઢીને આવા નેતા હોવાની વાત પણ કાલ્પનિક લાગે છે ત્યારે આ દેશે આવા સપૂતનું નેતૃત્વ પણ મેળવ્યું છે, તે ધન્યતા અનુભવવા જેવું છે. તાશ્કંદ ખાતે તેઓ ગયા અને ત્યાં તેમનું રહસ્યમય મૃત્યુ નિપજયું. ઘણા ઓછા સમયમાં પણ તેમણે દેશને એક નવી દિશા આપી અને દેશના ખેડૂતો અને સરહદ પરના જવાનોના યોગદાનને દેશવાસીઓ સુધી પહોંચાડ્યું.
જય જવાન જય કિસાનનો નારો આપનારા આ મહાન નેતાને કોટિ કોટિ વંદન