
કોલકાતાઃ પાણીની અંદર ચાલતી દેશની પ્રથમ મેટ્રો ટ્રેન, હાવડા મેદાન-એસ્પ્લેનેડ મેટ્રો, શનિવારે આમ જનતા માટે શરૂ થઈ હતી ત્યારે પ્રથમ દિવસે રેકોર્ડ સંખ્યામાં 70,000 થી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી. આ મેટ્રો હુગલી નદીની નીચેથી હાવડા મેદાન-એસ્પ્લેનેડ મેટ્રો સેક્શન પર અંડરવોટર ટ્રાન્સપોર્ટ ટનલમાંથી પસાર થાય છે. દેશની આ પહેલી મેટ્રો લાઈન છે જે નદીની નીચે બનાવી ટનલમાંથી પસાર થાય છે. એન્જિનિયરિંગ ક્ષેત્રમાં ભારત જે રીતે હરણફાળ ભરી રહ્યું છે, તે દરેક ભારતીય માટે આનંદની વાત છે.

પહેલા દિવસે હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચેના આ 4.8 કિલોમીટરના ભૂગર્ભ માર્ગ પર મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા 70,204 હતી. એક અધિકારીએ જણાવ્યું કે તેમાંથી 23,444 લોકો હાવડા મેદાનથી જ્યારે 20,923 મુસાફરો હાવડાથી ચડ્યા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રથમ દિવસે મહાકરણ અને એસ્પ્લેનેડ મેટ્રો સ્ટેશન પર મુસાફરોની સંખ્યા અનુક્રમે 13,453 અને 12,384 નોંધાઈ હતી.

ઇસ્ટ વેસ્ટ મેટ્રો કોરિડોરના હાવડા મેદાન-એસ્પ્લેનેડ વિભાગમાં ભારતની કોઈપણ નદીની નીચેથી પસાર થતી આ પ્રથમ ટનલ છે. તે હુગલીની નીચેથી પસાર થાય છે, જેના પૂર્વ અને પશ્ચિમ કાંઠે અનુક્રમે કોલકાતા અને હાવડા શહેરો આવેલા છે. હાવડા મેદાન-એસ્પ્લેનેડ વિભાગ એ હાવડા મેદાન અને આઇટી હબ સોલ્ટ લેક સેક્ટર-5 વચ્ચે ઈસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોરનો બીજો વિભાગ છે.

સોલ્ટ લેક સેક્ટર 5 થી સિયાલદાહ સુધીના ઈસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોરનો ભાગ કેટલાક સમયથી લોકો ઉપયોગમાં લે છે. પૂર્વ-પશ્ચિમ વિભાગનો માત્ર એસ્પ્લેનેડ-સિયાલદાહ વિભાગ પૂરો થવાનો બાકી છે. ઈસ્ટ વેસ્ટ મેટ્રોની કુલ 16.6 કિમી લંબાઈમાંથી, ભૂગર્ભ કોરિડોર હાવડા મેદાન અને ફૂલબાગન વચ્ચે 10.8 કિમીનો છે, જેમાં ટનલ હુગલી નદીની નીચેથી પસાર થાય છે, જ્યારે બાકીનો ભાગ એલિવેટેડ છે.