ટોપ ન્યૂઝનેશનલ

કોચી મ્યુઝિક કોન્સર્ટમાં નાસભાગમાં 4ના મોત, 64થી વધુ ઘાયલ

જાણો કેવી રીતે જવાબદાર બન્યો વરસાદ

કોચી: કેરળના કોચીમાં આવેલી CUSAT યુનિવર્સિટીમાં શનિવારે થયેલા અકસ્માતે દેશને ચોંકાવી દીધો હતો. આ અકસ્માત એક સંગીત કાર્યક્રમ દરમિયાન થયો હતો, જેનું કારણ વરસાદ હોવાનું કહેવાય છે. યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે 64 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.

રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું હતું કે આ અકસ્માત નિકિતા ગાંધીના કોન્સર્ટ દરમિયાન થયો હતો. યુનિવર્સિટી કેમ્પસના ઓપન-એર ઓડિટોરિયમમાં મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું હતું કે ઘાયલોની સારવાર માટે કલામસેરી મેડિકલ કોલેજમાં વ્યવસ્થા કરવામાં આવી છે. નાસભાગમાં જીવ ગુમાવનારા ચાર વિદ્યાર્થીઓમાં 2 છોકરા અને 2 છોકરીઓ છે, જ્યારે બે વિદ્યાર્થિનીની હાલત નાજુક હોવાનું કહેવાય છે.


પ્રારંભિક માહિતી મુજબ, જ્યારે વરસાદ શરૂ થયો, ત્યારે પાછળના વિદ્યાર્થીઓ આગળની તરફ દોડવા લાગ્યા. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ પછી સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે નાસભાગમાં 64 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જેમાંથી 46 ઘાયલોને કલામસેરી મેડિકલ કોલેજમાં અને 18 ઘાયલોને કિન્ડર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.


એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અકસ્માત વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રારંભિક અહેવાલો અનુસાર, અચાનક વરસાદને કારણે, બાજુ પર ઉભા રહેલા લોકો ભારે વરસાદથી બચવા માટે શેડ વાળા વિસ્તારમાં ગયા હતા. આના કારણે સીડીઓ પર ઉભેલા લોકો નીચે પડી ગયા હતા અને લોકો તેમની ઉપરથી પસાર થવા માંડ્યા હતા.
મીડિયા સાથે વાત કરતા વાઈસ ચાન્સેલર ડો.શંકરને જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં આયોજિત ટેક ફેસ્ટમાં મ્યુઝિક કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ પણ તેમાં ભાગ લેવા આવ્યા હતા.


કમનસીબે, ભીડ ઘણી વધારે હતી અને વરસાદ પડી રહ્યો હતો. આ દરમિયાન સીડી પાસે કેટલીક સમસ્યા સર્જાઈ હતી અને કેટલાક વિદ્યાર્થીઓ પડી ગયા હતા. તેમણે કહ્યું હતું કે હું આવતીકાલે જ ઘાયલ લોકોની સંખ્યા કહી શકીશ. તેમાં 2,000 થી વધુ લોકો સામેલ હતા, 2 વિદ્યાર્થીઓ ગંભીર છે.” મ્યુનિસિપલ કાઉન્સિલર પ્રમોદે જણાવ્યું હતું કે, “એક જ ગેટથી બહાર નીકળવા અને પ્રવેશવાના કારણે નાસભાગ મચી ગઈ હતી. વિદ્યાર્થીઓ એક જ ગેટથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે કલામાસેરી ક્યુસેટ કેમ્પસમાં ટેક ફેસ્ટ દરમિયાન અકસ્માતમાં 4 વિદ્યાર્થીઓના મૃત્યુ દુઃખદ છે. શનિવારે રાત્રે 8:30 વાગ્યે કોઝિકોડના સરકારી ગેસ્ટ હાઉસમાં સીએમ પિનરાઈ વિજયનની અધ્યક્ષતામાં મંત્રીઓની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. દુર્ઘટના બાદ રવિવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે. ઉદ્યોગ પ્રધાન પી. રાજીવ અને ઉચ્ચ શિક્ષણ પ્રધાન ડૉ. આર. બિંદુને કલામાસેરીની મુલાકાત લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ પ્રવૃત્તિઓનું સંકલન કરશે. આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જ સારવાર સુનિશ્ચિત કરવા સંબંધિત બાબતોનું સંકલન કરશે.


મુખ્ય પ્રધાને ઘાયલોને જરૂરી સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. દુર્ઘટના બાદ રાજ્યના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને જણાવ્યું હતું કે કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં નાસભાગમાં 4 વિદ્યાર્થીઓના દુ:ખદ મૃત્યુ વિશે જાણીને તેઓને ખૂબ જ આઘાત અને દુઃખ થયું છે. તેમના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના
કોંગ્રેસના નેતા અને વાયનાડથી સાંસદ બનેલા રાહુલ ગાંધીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button