
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓના કેમ્પોનો નાશ કર્યો. આમાં આતંકવાદી નેતાઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના કેમ્પોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીના અપડેટ્સ અનુસાર ભારતે મુઝફ્ફરાબાદ, બહાવલપુર, મુરીદકે, સિયાલકોટ, કોટલી, બાગ, ગુલપુર, ભીમ્બર અને શકરગઢમાં આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા છે. ભારતે પહલગામ હુમલાનો જવાબ આપવા માટે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે.

ઘાતક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ
પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો. ઘાતક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ હુમલાઓમાં નવ સ્થળોએ આતંકવાદી કેમ્પ અને માળખાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો છે! તેનું નામ હતું- ઓપરેશન સિંદૂર.
ભારતે ક્યાં કાર્યવાહી કરી?
પહલગામ હુમલામાં, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. હુમલાના 15 દિવસ પછી મંગળવાર મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બંનેમાં આતંકવાદી કેમ્પો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ભારતે કેવી પ્રતિક્રિયા આપી?
જેમાં મળતી માહિતી અનુસાર ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેની અંદર મિસાઇલોથી હુમલો કર્યો. હુમલાઓ આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યા હતા. કુલ નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આમાં એ બાબત પર જોવા આવી હતી કે પાકિસ્તાનનો કોઈપણ લશ્કરી છાવણી તેની રેન્જમાં ન આવે. ભારતે આ બાબતમાં સંયમ રાખ્યો અને માત્ર આતંકવાદી કેમ્પ અને માળખાઓને જ નિશાન બનાવ્યા.
પાકિસ્તાનના આતંકી કેમ્પ સુરક્ષા દળોની સંયુક્ત કાર્યવાહી
સમાચાર એજન્સીઓ અનુસાર, ઓપરેશન સિંદૂર એક સંયુક્ત ઓપરેશન હતું.જેમાં વાયુસેના, સેના અને નૌકાદળની પ્રિસિઝન સ્ટ્રાઈક વેપન સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે લક્ષ્યને સચોટ રીતે હિટ કરી શકે છે. આ હુમલામાં દારૂગોળો અને ઘાતક ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ હુમલો ક્યાં કરવો છે તેની માહિતી પૂરી પાડી હતી. જ્યારે હુમલો ભારતીય ધરતીથી કરવામાં આવ્યો હતો.
1.28 વાગ્યે 64 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો
આ ખુલાસો સેનાના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પબ્લિક ઇન્ફર્મેશન દ્વારા કરવામાં આવ્યો હતો. આ હેન્ડલ દ્વારા સેનાએ સૌપ્રથમ રાત્રે 1.28 વાગ્યે 64 સેકન્ડનો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં લખ્યું હતું – “પ્રહરાય સંનિહિતાહ, જયા પ્રતિષ્ઠિતાહ”. એનો અર્થ એ કે હુમલો કરવા માટે તૈયાર અને જીતવા માટે તાલીમ પામેલ. આ પછી રાત્રે 1:51 વાગ્યે બીજી પોસ્ટ કરવામાં આવી, જેમાં ઓપરેશન સિંદૂરની તસવીર સાથે લખ્યું હતું – ન્યાય થયો, જય હિંદ. આ પછી, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા પ્રારંભિક માહિતી એક નિવેદન સાથે જાહેર કરવામાં આવ્યું હતું .
બહાવલપુર આતંકવાદીઓને તાલીમ આપવાનો અડ્ડો બન્યું
સૂત્રોને ટાંકીને વિવિધ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય મિસાઇલોએ બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પ, મુઝફ્ફરાબાદમાં સેન્ટ્રલ ગ્રીડ સિસ્ટમ અને મુરિદકેમાં હાફિઝ સઈદના આતંકી કેમ્પ પર હુમલો કર્યો હતો. જૈશ-એ-મોહમ્મદનો ચીફ એ જ મસૂદ અઝહર છે જેને 1999માં IC-814 કંદહાર વિમાન હાઇજેક કેસ બાદ મુક્ત કરવો પડ્યો હતો. મસૂદ અઝહર પાકિસ્તાન પરત ફર્યા પછી, બહાવલપુર આતંકવાદીઓને તાલીમ આપવાનો અડ્ડો બન્યું હતું.
લશ્કર-એ-તૈયબાનું મુખ્યાલય મુરીદકેમાં
જૈશ-એ-મોહમ્મદ 2001માં સંસદ પર હુમલો, 2016માં પઠાણકોટ હુમલો અને 2019માં પુલવામા હુમલામાં સામેલ રહ્યું છે. આ દરમિયાન હાફિઝ સઈદ લશ્કર-એ-તૈયબાનો ચીફ છે. જે 26/11ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. લશ્કર-એ-તૈયબાનું મુખ્યાલય મુરીદકેમાં જ છે. આ આતંકવાદી સંગઠન વર્ષ 1990 થી મુરીદકેથી કાર્યરત છે. ભારતે આ સ્થળો ફક્ત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના નેતાઓને નિશાન બનાવવા માટે પસંદ કર્યા હતા. જ્યારે મુઝફ્ફરાબાદ અને કોટલી નિયંત્રણ રેખાની નજીક છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારત આનો જવાબ આપશે
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ 2025 ના રોજ પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 26 પ્રવાસીઓ જીવ ગુમાવ્યા હતા. તેની બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારત આનો જવાબ આપશે. ત્યારબાદ 29 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિત ત્રણેય સેનાના વડાઓ, સીડીએસ અને વરિષ્ઠ મંત્રીઓ સાથેની બેઠકમાં વડા પ્રધાને કહ્યું કે ભારત કેવી રીતે અને ક્યારે પ્રતિક્રિયા આપશે તે નક્કી કરવા માટે સેનાને સ્વતંત્રતા આપવામાં આવી છે.