અમેરિકામાં ખાલિસ્તાની સમર્થકોએ કરી ભારતીય રાજદૂત સાથે ધક્કા મુક્કી
વોશિંગ્ટનઃ ખાલિસ્તાની સંગઠનનો અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ઘણો પ્રભાવ છે. પોતાના પ્રભાવના જોરે તેઓ ભારત વિરોધી હરકતોને અંજામ આપતા રહે છે. હાલમાં એવી માહિતી આવી છે કે યુ.એસ.માં ભારતીય રાજદૂત તરનજીત સિંઘ સંધુને લોંગ આઇલેન્ડ, ન્યૂ યોર્કમાં હિક્સવિલે ગુરુદ્વારા ખાતે એક ઇવેન્ટ દરમિયાન ખાલિસ્તાન સમર્થકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સંધુ સ્થાનિક લોકો સાથે લોંગ આઈલેન્ડમાં ગુરુ નાનક દરબારમાં ગુરુપર્વની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકોએ સંધુ પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સંધુ પર ગુરપતવંત પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો પણ આરોપ લગાવ્યો હતો.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ ન્યૂયોર્કના ગુરુદ્વારા પહોંચ્યા હતા. પરંતુ, અહીં ખાલિસ્તાનવાદીઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ખાલિસ્તાની સમર્થકોએ તેમને કહ્યું હતું કે તમે હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી છે અને હવે તમે પન્નુને મારવાની યોજના બનાવી રહ્યા છો. તેમણે સંધુ સાથે ધક્કામુક્કી પણ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન રાજદૂત સંધુએ ગુરુ નાનકના એકતા અને સમાનતાના કાયમી સંદેશને પ્રકાશિત કર્યો હતો. આ દરમિયાન તેમણે લંગરમાં ભાગ લીધો હતોઅને ઉપસ્થિત તમામ લોકોના આશીર્વાદ માંગ્યા હતા.
થોડા મહિના પહેલા કેનેડાના વડાપ્રધાને ભારત પર નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો, જે બાદ ભારતે કેનેડાને ઠપકો આપ્યો હતો અને પોતાના રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું હતું. દરમિયાન આ આરોપોને પગલે બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. તે જ સમયે, તાજેતરમાં ભારતે કેનેડિયન નાગરિકો માટે ઇલેક્ટ્રોનિક વિઝા આપવાનું ફરી શરૂ કર્યું છે. આ સેવા લગભગ 2 મહિના સુધી બંધ રહી હતી.