
નવી દિલ્હી: ભારતથી લઇને સિંગાપોર સુધી આખી દુનિયામાં ફરી એકવાર કોરોનાનો પગપેસારો થયો છે. છેલ્લાં 24 કલાકમાં કોવિડના 300 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે પાંચ દર્દીનું મૃત્યુ થયું છે. મૃતકમાં પાંચ દર્દીઓ માત્ર કેરળના રહેવાસી છે, જ્યારે એક ઉત્તર પ્રદેશમાંથી છે.
કેન્દ્રીય આરોગ્ચ મંત્રાલય મુજબ ભારતમાં રવિવારે કોવિડના 335 નવા દર્દીઓ નોંધાયા હતાં. જેને કારણે એક્ટિવ કેસનો આંકડો 1,828 પર પહોંચી ગયો છે. આ બધાની વચ્ચે કેરળમાં કોરોનાના નવા સબવેરિયન્ટ JN. 1 નામે નવો વેરિયન્ટ પણ મળી આવ્યો છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4,50,04,816 કેસ નોંધાયા છે, જેમાં વધુ પાંચ દર્દીના મોતને કારણે મૃત્યુઆંક વધીને 5,33,316 પર પહોંચી ગયો છે. આ બીમારીમાંથી સાજા થનારાઓની સંખ્યા વધીને 4,44,69,799 થઇ ગઇ છે. આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ દેશમાં રિકવરી રેટ 98.81 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે.
મંત્રાલયની વેબસાઇટ મુજબ દેશમાં અત્યાર સુધી COVID-19 વેક્સીનના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ફરી એકવાર કોરોનાના દર્દીઓની વધતી સંખ્યા જોઇને લોકોના મનમાં ડર ફેલાઇ રહ્યો છે.
આઠમી ડિસેમ્બરના રોજ કેરળમાં કોવિડ-19નો સબવેરિયન્ટ JN. 1 નો એક કેસ નોંધાયો હતો. આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે 79 વર્ષની મહિલાના 18મી નવેમ્બરના રોજ આરટીપીસીઆર ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું હતું. જેમાં ઇન્ફ્લ્યુએન્ઝા જેવી બીમારીના સાધારણ લક્ષણો હતાં અને તે કોવિડ-19માંથી સાજા થઇ ગયા હતાં. અગાઉ સિંગાપુરથી આવેલ તમિલનાડુની એક વ્યક્તિમાં પણ JN. 1 સબવેરિયન્ટ મળી આવ્યો હતો.