કારગિલ યુદ્ધનો વિરોધ કરવા બદલ પીએમ પદ પરથી હટાવી દેવામાં આવ્યો
ભારત સાથેના સંબંધઓ પર નવાઝ શરીફનું મહત્વનું નિવેદન
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે શનિવારે જણાવ્યું હતું કે તેમને એવું લાગતું હતું કે ભારત સહિત પડોશી દેશો સાથે સારા સંબંધો રાખવા જરૂરી છે. તેમણે કારગિલનો વિરોધ કર્યો હતો. જનરલ પરવેઝ મુશર્રફે કારગિલના વિરોધ માટે 1999માં તેમને સરકારમાંથી કાઢી મૂક્યા હતા
ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝે પ્રશ્નાર્થ સ્વરમાં પૂછ્યું હતું કે તેમને 1993 અને 1999માં સત્તા પરથી હટાવવાનું કારણ જાણવાનો અધિકાર છે. શરીફે કહ્યું હતું કે તેઓ કારગિલ યુદ્ધના પક્ષમાં નહોતા. નવાઝ શરીફે કહ્યું હતું કે, “મને એ જાણવાનો અધિકાર છે કે મને 1993 અને 1999માં શા માટે બહાર ફેંકવામાં આવ્યો હતો. જ્યારે મેં કારગિલ યોજનાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘કારગિલ યુદ્ધ ન થવું જોઈએ… ત્યારે જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા મને સત્તામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો અને આ યુદ્ધ કરવામાં આવ્યું હતું. પાછળથી મેં જે કહ્યું તે સાચું સાબિત થયું હતું.’
શરીફે જ્યારે તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે બે ભારતીય વડાપ્રધાનોની પાકિસ્તાન મુલાકાત અંગે પણ વાત કરી હતી. શરીફે કહ્યું હતું કે તેમણે દરેક મોરચે કામ કર્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન ભારતના બે વડાપ્રધાન વાજપેયી અને નરેન્દ્ર મોદી લાહોર આવ્યા હતા. લાહોરમાં પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં બોલતા શરીફે સવાલ કર્યો હતો કે જ્યારે તમારા પડોશીઓ તમારાથી નારાજ હોય અથવા તમે તમારા પડોશીઓથી નારાજ રહેશો ત્યારે તમે વૈશ્વિક દરજ્જો કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો.
શરીફે કહ્યું કે પાકિસ્તાનને ભારત અને અફઘાનિસ્તાન જેવા દેશો સાથે સંબંધો સુધારવાની જરૂર છે. દેશે ઈરાન અને ચીન સાથે વધુ મજબૂત સંબંધો બનાવવા પડશે. તેમણે અફસોસ વ્યક્ત કર્યો કે પાકિસ્તાન આર્થિક વૃદ્ધિના મામલામાં તેના પડોશીઓથી પાછળ રહી ગયું છે.
ઈમરાન ખાન પર નિશાન સાધતા શરીફે કહ્યું હતું કે તેમને ખબર નથી કે દેશની બાગડોર એક બિનઅનુભવી વ્યક્તિને કેમ સોંપવામાં આવી. શરીફે કહ્યું હતું કે ઈમરાન ખાનની સરકાર દરમિયાન પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો થયો હતો. ત્યારબાદ શાહબાઝ શરીફે એપ્રિલ 2022માં સત્તા સંભાળી અને દેશને ગરીબીથી બચાવ્યો હતો.
નવાઝ શરીફે 2017માં તેમની સરકારની હકાલપટ્ટી કરીને દેશને બરબાદ કરવા માટે ભૂતપૂર્વ સૈન્ય જનરલો અને ન્યાયાધીશોની જવાબદારીની તેમની માંગને પુનરાવર્તિત કરી હતી. નવાઝે કહ્યું કે અમે માત્ર સત્તા અને મોંઘી ગાડીઓ માટે સરકાર બનાવવા માંગતા નથી. અમે દેશને બરબાદ કરવા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવા માંગીએ છીએ. આ લોકોએ અમારી સામે ખોટા કેસ કર્યા હતા.
બ્રિટનમાં ચાર વર્ષના સ્વ-લાદિત દેશનિકાલ પછી પાકિસ્તાન પરત ફરવાના એક મહિના પહેલા શરીફે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા, ભૂતપૂર્વ આઈએસઆઈ ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ, પાકિસ્તાનના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસાર અને આસિફ સઈદ ખોસાને તેમની સરકાર હટાવવા માટે અને આર્થિક વિનાશ સર્જવાના ગુના માટે જવાબદાર ઠેરવવાનો સંકેત આપ્યો હતો.