ભારત -ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો, કૈલાશ-માન સરોવર યાત્રા ફરીથી શરૂ થશે
વર્ષ 2024ની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે દેશના અસંખ્ય શિવભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. કોવિડ રોગચાળા અને સરહદી તણાવને કારણે ખોરવાઈ ગયેલી કૈલાશ માનસરોવર યાત્રાને લઈને ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે. આ યાત્રા પાંચ વર્ષ પછી ફરી શરૂ થવાની છે. બંને દેશ આ યાત્રાને શક્ય તેટલી વહેલી તકે વ્યવસ્થિત રીતે પુનઃશરૂ કરવા માટે સહમત થયા છે.
ગલવાનમાં અથડામણ પછી ભારત-ચીન એમ બંને દેશો વચ્ચેના ઠંડા પડી ગયેલા સંબંધોમાં ઉષ્મા લાવવા માટેના બંને દેશોના સહિયારા પ્રયાસોની પ્રથમ બેઠક ચીનમાં યોજાઇ હતી. પાંચ વર્ષ બાદ બેઈજિંગમાં બંને દેશોના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી આ બેઠકમાં 6 મુદ્દાઓ પર સમજૂતી થઈ હતી. આ બેઠકમાં ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીન તરફથી વિદેશ મંત્રી વાંગ યી હાજર રહ્યા હતા.
આ મહત્વપૂર્ણ બેઠકમાં બંને દેશોના પ્રતિનિધિઓએ સરહદ વિવાદ પર વિગતવાર ચર્ચા કરી હતી, જેમાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે તે અંગે સર્વસંમતિ સધાઈ હતી. આ ઉપરાંત સિક્કિમની નાથુલા બોર્ડર પર ભારત અને ચીન વચ્ચેનો બંધ વેપાર ટૂંક સમયમાં શરૂ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. બંને દેશો વચ્ચે સામાન્ય નદીઓના પાણીની વહેંચણી અંગે અટકેલી વાટાઘાટો પણ શરૂ કરવામાં આવશે તે અંગે સહમતિ સધાઈ હતી.
કઝાનમાં આયોજિત બ્રિક્સ સમિટ વખતે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની દ્વિપક્ષીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે એસઆર સ્તરની વાતચીત શરૂ કરવામાં આવશે, જેથી સરહદ પર શાંતિ પુનઃસ્થાપિત કરી શકાય.
Also Read – ચીને તાઇવાન આસપાસ તૈનાત કર્યા જહાજ અને સૈનિકો, વધી શકે છે તણાવ
કૈલાશ માનસરોવર યાત્રાની વાત કરીએ તો હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે આ એક મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રા છે. આ યાત્રા કૈલાશ પર્વત અને તિબેટ સ્થિત માનસરોવર તળાવ સુધી જાય છે. કૈલાશ પર્વત પર ભગવાન શિવનો વાસ હોવાનું માનવામાં આવે છે. કૈલાસ પર્વતની ઉંચાઇ અંદાજે 6,638 મીટર છે. માનસરોવર તળાવ વિશે એમ કહેવાય છે કે આ તળાવ ભગવાન બ્રહ્મા દ્વારા બનાવવામાં આવ્યું છે. માન સરોવર કૈલાશ પર્વતથી લગભગ 30 કિલોમીટર દૂર 4,590 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. આ યાત્રામાં તીર્થયાત્રીઓ મોક્ષ પ્રાપ્તિના સાધન એવા કૈલાશ પર્વતની પરિક્રમા કરે છે.
કૈલાશ માનસરોવર યાત્રા તો જૂન મહિનામાં શરૂ થાય છે, પરંતુ તેની તૈયારીઓ જાન્યુઆરીથી જ શરૂ કરી દેવામાં આવે છે. આ યાત્રા શારીરિક અને માનસિક રીતે અત્યંત પડકારજનક માનવામાં આવે છે, જેમાં તીર્થયાત્રીઓન સારી ફિટનેસની જરૂર હોય છે.