કડીના (ભાજપી ધારાસભ્ય) કરસન કાકાનો કાળો કકળાટ: આ દારૂનું વેંચાણ બંધ કરાવો, બાપલિયા !

ગુજરાતમાં દારૂ મળે છે ? દેશી હોય કે વિદેશી પણ દારૂ મળતો નથી તેવું રાજ્યના તમામ પોલીસ મથક અને તેના કર્મચારીઓ કહે છે.અરે, ખુદ સરકારનો કાયદો જ એટલો જડબેસલાક છે કે,દારૂનું ટીપું તો શું કબૂતર પણ પાંખ ફફડાવી ના શકે. હવે આટલી કડક દારૂબંધી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કડી વિસ્તારના ધારાસભ્ય અને બિલકુલ સીધા,સાદા,સરળ અને પોતાની એક પણ ગાડી ના ધરાવતા કરસન સોલંકીએ ખુદ પોતાના વિસ્તાર નંદાસણ પોલીસ મથકે જઈને આજીજી કરવી પડી છે કે, આ વિસ્તારમાં ધમધમતી દારૂની ખેપ હવે બંધ કરાવો તો સારું .
સરકારની દારૂબંધી -‘કાગળ પરનો વાઘ’
ગુજરાત સરકારે ત્રણેક વર્ષ પહેલા કડક કાયદો ઘડ્યો. દારૂ વેંચનાર અને પિનાર સામે આકરી જોગવાઇઓ પણ કરી,પણ હજુ સુધી કેટલા ‘ફિટ’ કર્યા અને ‘જોગવાઈ’ મુજબ કેટલા લોકો સામે કાર્યવાહી થઈ તેની વિગતથી કદાચ ગુજરાતીઓ અજાણ છે.ગુજરાતમાં કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાયું.પાકિસ્તાની-અફઘાની નાગરિકો ઝ્દ્પાય જાય છે અને ગામડે-ગામડે વેચાતું ‘ચકલા’ જેવુ દારૂ નથી ઝડપાતું ? આ તે ગુજરાતની સ્થિતિ કેવી ? રાજ્યમાં 156 બેઠકો એક સાથે જીતીને સરકાર બનાવનારા અસરદાર સરદારના રાજમા તંત્રની જ કહેવાતી મિલીભગતના કારણે મોટા પાયે દારૂનો વેપલો ચાલી રહ્યો હોવાનો આ સજજડ પુરાવો છે કે, મહેસાણા જિલ્લાના કડીના ધારાસભ્ય કરસન સોલંકીએ SP અને PIને રજૂઆત કરી છે કે પોલીસે જ્યાં જ્યાં દારૂનું વેચાણ થતું હોય તે બંધ કરાવવું જોઈએ. આટલું પૂરતું ના રહેતા ધારાસભ્યકરસન સોલંકીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ આ મુદ્દે મૌખિક રજૂઆત કરી છે.
ચો-તરફ હી..ક .. હી…ક
મહેસાણા જિલ્લાના કડી આસપાસ કહેવાય છે કે, દારૂ-જુગાર ના અડ્ડા અને દેશી વિદેશી દારૂની ધમધમતી ભઠ્ઠી-અડ્ડાઓએ માઝા મૂકી છે. સ્થાનિક કશાએથી વારંવાર રજૂઆતો થાય છે.ત્યારે હવે ખુદ ભાજપના જ ધારાસભ્ય કરસન સોલંકીએ પોલીસ મથકે રૂબરૂ જઈને રજૂઆત કરવી પડે. ત્યારે,સ્થિતિ વધુ વિકટ બને છે.પોલીસ અને ખુદ સરકાર માટે. ધારાસભ્ય કરસનભાઇ સોલંકીનું કહેવું છે કે માત્ર મારા વિસ્તાર પૂરતી જ વાત નથી હું જ્યાં જ્યાં ફરું છુ ત્યાં ત્યાં મને અનુભવાય છે કે દારૂનું દૂષણ વ્યાપક છે ,ખૂલે આમ વેંચાય અને પીવાય પણ છે. સ્થાનિક વહીવટી તંત્રને રજૂઆત કરવા આવવું પડ્યું કે,હવે આ બંધ કરાવો.