ગાંધીનગરઃ કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું (Kadi MLA Karshanbhai Solanki) 68 વર્ષની વયે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક સમયથી તેઓ બીમારીથી પીડાતા હતા. સોમવારે તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમણે મોડી રાત્રે અંતિમશ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ ભાજપના કાર્યકર્તાઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી. ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના નિધનને લઇ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
Also read : કોંગ્રેસના નેતાની જયેશ રાદડિયાને સલાહ; કહ્યું “સમય છે પાછા વળો ફાયદામાં રહેશ
પીએમ મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે. સાદગીભર્યું જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે તેઓ સદાય યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના…! ૐ શાંતિ…!!
તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, રાજનેતા જોડાયા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા હતા. તેમના મત વિસ્તારમાં નાનામાં નાના વ્યક્તિને ખૂબ સરળતાથી મળતા. લોકો તેમને કાકાના હુલામણા નામથી બોલાવતા હતા.
તેઓ 60 વર્ષની વયે ધારાસભ્ય બન્યા હતા. કરશનભાઈ સોલંકી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા કડી વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા. તેમણે કૉંગ્રેસના પરમાર પ્રવિણભાઈ ગણપતભાઈને 28,194 મતોના માર્જિનથી હરાવ્યા હતા. તેઓ સૌપ્રથમ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ચાવડા રમેશભાઈ મગનભાઈને 7,746 મતોના માર્જિનથી હરાવીને ધારાસભ્ય બન્યા હતા.
Also read : પોરબંદરમાં ગેંગવોરના એંધાણ? કુખ્યાત મેરામણ ઉર્ફે લંગીની હત્યા
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ સી આર પાટીલ, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતના અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.