વાહ! ભારતીય ઍથ્લીટનો સિલ્વર ફેરવાયો ગોલ્ડમાં, જાણો કેવી રીતે…

પૅરિસ: અહીં પૅરાલિમ્પિક્સમાં શનિવારે ભાલાફેંકની હરીફાઈમાં ભારતનો નવદીપ સિંહ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે તેની કેટેગરી (એફ-41)માં સુવર્ણ ચંદ્રક જીતીને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો.
નવદીપ સિંહને અગાઉ સિલ્વર મેડલ મળ્યો હતો, પરંતુ પછીથી એ મેડલને ગોલ્ડમાં અપગ્રેડ કરવામાં આવ્યો હતો.
નવદીપે ભાલો 47.32 મીટર દૂર ફેંક્યો હતો. આ તેનો પર્સનલ બેસ્ટ રેકોર્ડ હતું. ઈરાનના બેઇટ સાદેગે ભાલો 47.65 મીટર દૂર ફેંકીને પૅરાલિમ્પિક્સનો નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. જોકે આ ઈરાની ઍથ્લીટે ફાઇનલ પછી વિવાદાસ્પદ ધ્વજ વારંવાર બતાવ્યો હોવાને કારણે (તેણે 8.1 નંબરનો નિયમ તોડવા બદલ) તેને ગેરલાયક ઠરાવવામાં આવ્યો હતો અને તેનો ગોલ્ડ ભારતના નવદીપ સિંહને આપી દેવામાં આવ્યો હતો.
આ સાથે, ભારતના કુલ મેડલની સંખ્યા 30ની નજીક પહોંચી ગઈ હતી જે ભારત માટે વિક્રમ છે. અગાઉ ભારતે પૅરાલિમ્પિક્સમાં સૌથી વધુ 19 મેડલ 2021મી ટૉક્યો પૅરાલિમ્પિક્સમાં મેળવ્યા હતા.
નવદીપના ગોલ્ડ સહિત ભારતના જે 29 મેડલ થયા એમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 13 બ્રોન્ઝનો સમાવેશ હતો.
દિવ્યાંગો માટેની આ પૅરાલિમ્પિક્સમાં ભારતની સિમરન શર્મા 200 મીટર રેસની ટી-12 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી હતી.