જમ્મુથી આવ્યા અત્યંત દુઃખદ સમાચારઃ રોડ એક્સિડેન્ટમાં 33 જણાના મોત

જમ્મુના ડોડાથી અત્યંત દુખદ સમાચાર આવ્યા છે. અહીં રોડ અકસ્માતમાં 33 જણના જીવ ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ડોડામાં એક બસ બેકાબુ થઈને લગભગ 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 33 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
જમ્મુ ડિવિઝનના ડોડા જિલ્લાના અસારમાં એક બસ પર ડ્રાયવરે નિયંત્રણ ગુમાવતા લગભગ 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે 33 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને કેટલાક ઘાયલ થયા હતા. બસ કિશ્તવાડથી જમ્મુ તરફ જઈ રહી હતી. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
જેમાંથી કેટલાકની હાલત પણ નાજુક હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધુ વધી શકે તેમ પણ જાણવા મળ્યું છે. પોલીસે આપેલી પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આ રૂટ પર ત્રણ બસ એકસાથે દોડી રહી હતી અને એકબીજાને ઓવરટેક કરવાની હોડમાં આ મોટો અકસ્માત થયો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.