શ્રીનગર : જમ્મુ કાશ્મીરના(Jammu Kashmir) અનંતનાગમાં આતંકી હુમલા બાદ કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. મળતી માહિતી મુજબ જમ્મુ ડિવિઝનના કિશ્તવાડ જિલ્લામાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. સેનાએ આતંકીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. આ સર્ચ ઓપરેશન માટે પેરા કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા છે.
ઓપરેશનમાં સેનાના બે જવાન શહીદ
આ ઓપરેશનમાં સેનાના બે જવાન શહીદ થયા છે. આ સિવાય ઓપરેશન દરમિયાન બે નાગરિકો પણ ઘાયલ થયા હતા. જેમાં એક નાગરિકનું ઈજાના કારણે મોત થયું હતું. આતંકવાદીઓ સ્થળ પરથી નાસી ન જાય તે માટે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. શહીદ થયેલા જવાનોની ઓળખ હવાલદાર દીપક કુમાર યાદવ અને લાન્સ નાઈક પ્રવીણ શર્મા તરીકે થઈ છે.
આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો
આ અંગે માહિતી આપતા પોલીસે કહ્યું કે તેમને આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો અને શોધખોળ શરૂ કરી દીધી. આ દરમિયાન આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
સેનાએ શોક વ્યક્ત કર્યો
શહીદ સૈનિકોના બલિદાનને સલામ કરતા ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર લખ્યું, ” જનરલ ઉપેન્દ્રદ્વિવેદી, COAS અને ભારતીય સેનાના તમામ રેન્ક બહાદુર હવાલદાર દીપક કુમાર યાદવ અને L/NK પ્રવીણ શર્માના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. જેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું. અનંતનાગ, જમ્મુ અને કાશ્મીરમાં ફરજ દરમ્યાન પોતાના જીવનનું બલિદાન આપ્યું. ભારતીય સેના ઊંડી સંવેદના વ્યક્ત કરે છે અને દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે મજબૂત રીતે ઊભી છે.”