નુવામા વેલ્થ અને જેન સ્ટ્રીટ પર આઇટી ડિપાર્ટમેન્ટના દરોડા

- નિલેશ વાઘેલા
મુંબઇ: નાણાકીય અનિયમિતતાની તપાસના સંદર્ભમાં આવકવેરા વિભાગે, અગાઉ એડલવાઈસ બ્રોકિંગ તરીકે આળખાતી નુવામા વેલ્થ અને જેન સ્ટ્રીટની મુંબઇ સ્થિત ઓફિસ પરિસરો પર દરોડા પાડ્યા છે. ઉપલબ્ધ માહિતી અનુસાર આવકવેરા વિભાગ જેન સ્ટ્રીટ કેસના અનુસંધાનમાં આ જડતીની કાર્યવાહી કરી રહી છે. નુવામા વેલ્થ જેન સ્ટ્રીટની લોકલ ટ્રેડિંગ પાર્ટનર તરીકે કાર્યરત હતી.
શેરબજારમાં હેરાફેરીનો આરોપ ધરાવતી જેન સ્ટ્રીટે તાજેતરમાં સેબીમાં રૂ. ૪,૮૪૪ કરોડનો દંડ જમા કરાવ્યા પછી ભારતીય બજારોમાં ફરી પ્રવેશ મેળવ્યો હતો. સીએનબીસી ટીવી ૧૮ના અહેવાલ મુજબ, આવકવેરા વિભાગે ગુરુવારે બપોરે અગાઉ એડલવાઈસ બ્રોકિંગ તરીકે ઓળખાતી, નુવામા વેલ્થ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ અને જેન સ્ટ્રીટના મુંબઈ પરિસરમાં સર્વેક્ષણ કામગીરી શરૂ કરી છે.
આ પગલું પેઢીને સંડોવતા સંભવિત નાણાકીય અનિયમિતતાઓની વ્યાપક તપાસનો એક ભાગ છે. જેન સ્ટ્રીટને ભારતીય બજારોમાં ફરીથી પ્રવેશવાની મંજૂરી આપવામાં આવ્યાના થોડા દિવસો પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે. ૨૧ જુલાઈના રોજ, ધ ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલમાં જણાવાયું હતું કે પેઢીએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સંબી)ના નિર્દેશનું પાલન કર્યું છે અને જેન સ્ટ્રીટે ૧૪ જુલાઈની સમયમર્યાદા પહેલાં રૂ. ૪,૮૪૪ કરોડનો ‘ગેરકાયદેસર લાભ’ એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવા સંમતિ આપી હતી.
ડેરિવેટિવ્ઝ દ્વારા ઇન્ડેક્સ મેનીપ્યુલેશનના આરોપોને કારણે ચોથી જુલાઈના રોજ સેબી દ્વારા યુએસ હેજ ફંડ જેન સ્ટ્રીટને ભારતીય બજારોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બજાર નિયમનકારે દાવો કર્યો હતો કે કંપનીએ શરૂઆતના વેપાર દરમિયાન રોકડ અને ફ્યુચર્સ સેગમેન્ટમાં આક્રમક રીતે ઘટક શેરો ખરીદીને બેંક નિફ્ટી ઇન્ડેક્સને આગળ ધપાવ્યો હતો, જ્યારે કૃત્રિમ રીતે ઊંચા સ્તરેથી નફો મેળવવા માટે ઇન્ડેક્સ ઓપ્શનમાં શોર્ટ પોઝિશિન બનાવી હતી.
આપણ વાંચો: એનએસડીએલનો આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો, જાણો પ્રાઈસ બેન્ડ અને જીએમપી…
જોકે, જેન સ્ટ્રીટને ભારતીય બજારોમાં ફરીથી પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, સેબીએ ઔપચારિક સંદેશાવ્યવહાર જારી કરીને પુષ્ટિ આપી હતી કે ભારતીય સિક્યોરિટીઝ બજારમાં જેન સ્ટ્રીટની ઍક્સેસ પરના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. આ સેબીના ત્રીજી જુલાઈના વચગાળાના આદેશને અનુસરીને કરવામાં આવ્યું હતું. સેબીના આદેશમા જણાવાયુંં હતું કે ડિપોઝિટ ભરવાના નિર્દેશના પાલન પછી ઉક્ત એન્ટિટી પરનો સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશ પરનો પ્રતિબંધ દૂર થઇ જશે.