Gaza: ઇઝરાયલના નરસંહાર સામે દક્ષિણ આફ્રિકાએ કેસ દાખલ કર્યો, ઇઝરાયલે આપ્યો જવાબ
ઈઝરાયલ (Israel) છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી ગાઝા(Gaza) પર સતત હુમલા કરી રહ્યું છે. જેમાં 20 હજારથી વધુ પેલેસ્ટિનિયન(Palestinian) નાગરીકોના મોત થયા છે, મૃતકોમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે. જેને કારણે યુનાઇટેડ નેશન્સ(UN) સહીત દુનિયાભરના માનવતાવાદી સંગઠનોએ ઇઝરાયલની ટીકા કરી છે અને હુમલા અટકવવા કહ્યું છે, છતાં ઇઝરાયલે નરસંહાર ચાલુ રહ્યો છે. હવે દક્ષિણ આફ્રિકાએ ઈઝરાયલ સામે ઈન્ટરનેશનલ કોર્ટ ફોર જસ્ટિસ(ICJ)માં કેસ દાખલ કર્યો છે.
જે અંગે ટીપ્પણી આપતા ઇઝરાઇલ સરકારના એક પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે ગાઝામાં ચાલી રહેલા ઓપરેશન સામે દક્ષિણ આફ્રિકા દ્વારા દાખલ કરાયેલા નરસંહારના આરોપો સામે લડવા ઇઝરાયેલ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં હાજર થશે. સાઉથ આફ્રિકાએ શુક્રવારે ICJ પાસેથી તાત્કાલિક ચુકાદાની માંગ કરતા કહ્યું કે ઇઝરાયેલ ગાઝામાં મિલીટરી કાર્યવાહી કરીને 1948ના કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
ઇઝરાયેલના પ્રવક્તા ઇલોન લેવીએ કહ્યું, “અમે દક્ષિણ આફ્રિકાના નેતાઓને ખાતરી આપીએ છીએ કે ઇતિહાસ તમારું મૂલ્યાંકન કરશે, ઈતિહાસ કોઈ પણ દયા દાખવ્યા વગર તમારું મૂલ્યાંકન કરશે.” ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ કેસ પાયાવિહોણો છે.
પેલેસ્ટાઈનના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે ગાઝામાં મૃત્યુ પામનારાઓમાં 70 ટકા મહિલાઓ અને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. જોકે, ઈઝરાયેલનું કહેવું છે કે IDFએ આઠ હજાર હમાસ લડવૈયાઓને મારી નાખ્યા છે.