Israel: વડા પ્રધાન નેતન્યાહુ સામે ઇઝરાયલમાં વિરોધ પ્રદર્શન, અડધી રાત્રે હજારો લોકો રસ્તા પર ઉતર્યા
તેલ અવિવ: હમાસ અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા ચાર મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, એવામાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પોતાના જ દેશમાં વિરોધનો સામનો કરી રહ્યા છે. રાજધાની તેલ અવીવમાં શુક્રવારે રાત્રે હજારો લોકોએ નેતન્યાહુ સરકાર વિરુદ્ધ રેલી કાઢી હતી. પ્રદર્શનકારીઓએ ઈઝરાયેલમાં તાત્કાલિક ચૂંટણીની માંગ કરી હતી અને કહ્યું હતું કે સરકાર માત્ર પોતાના ફાયદા માટે કામ કરી રહી છે. આ સમય દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ આગચંપી પણ શરૂ કરી દીધી હતી, જ્યારે અન્ય વિરોધીઓ દેશભક્તિના ગીતો ગાતા હતા અને નેતન્યાહુની ટીકા કરતા પ્લેકાર્ડ બતાવી રહ્યા હતા.
આવા પ્રદર્શન માત્ર તેલ અવીવમાં જ નહીં પરંતુ શહેરના અન્ય ભાગોમાં પણ થયા હતા. અન્યત્ર યોજાયેલા વિરોધ દરમિયાન, લોકોએ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા નાગરિકોને તાત્કાલિક મુક્ત કરવા માટે સરકારને માંગ કરી અને ‘બંધકોને ઘરે લાવો’ જેવા સૂત્રોચ્ચાર કર્યા.
હમાસ સાથે યુદ્ધવિરામ માટે સરકાર પર દબાણ લાવવા ઈઝરાયેલની રાજધાની તેલ અવીવમાં પ્રદર્શનકારીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હમાસ બાબતે ઈઝરાયેલના એક વર્ગમાં ઘણો અસંતોષ છે અને લોકો આ બધી ગડબડ માટે વડાપ્રધાન નેતન્યાહુને જવાબદાર ઠેરવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે વડા પ્રધાન નેતન્યાહૂએ હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. નેતન્યાહુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી હમાસ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી યુદ્ધવિરામ ઉઠાવવામાં આવશે નહીં. ઈઝરાયેલ તેના હુમલા ચાલુ રાખશે. કારણ કે તે હમાસ સમક્ષ ઘૂંટણિયે પડવા જેવું હશે.
પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના હવાઈ અને જમીની હુમલાઓએ ગાઝાના મોટાભાગના ભાગોને નષ્ટ કરી દીધા છે, જેમાં મોટાભાગના નાગરિકો સહિત 28,775 લોકો માર્યા ગયા છે.