નવી દિલ્હી : દેશમાં મંકીપૉક્સના(Monkeypox)સંભવિત ખતરાને લઇને કેન્દ્ર સરકાર સતર્ક છે. જેના પગલે દિલ્હી એઇમ્સે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં મંકીપૉક્સના લક્ષણોવાળા દર્દીઓને હવેથી આઇશોલેશન રાખવામાં આવશે. આ દર્દી માટે પાંચ અલગ બેડ હશે. એઇમ્સે જાહેર કરેલી એસઓપીમાં કહેવામાં આવ્યું છે કે મંકીપૉક્સના શંકાસ્પદ દર્દીઓને આઇશોલેશનમાં રાખવામાં આવશે જેના લીધે બીજા દર્દીઓને તેનો ચેપ ના લાગે.
એઇમ્સે નિવેદનના જણાવ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપૉક્સ બીમારી પર ચિંતા વ્યક્ત કરી છે અને તેને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે.
મંકીપૉક્સના લક્ષણો ?
એઇમ્સની એસઓપી મુજબ, મંકીપૉક્સ એ વાયરલ જુનોસિસ છે. જેના લક્ષણો શીતળાના દર્દીઓમાં અગાઉ જોવા મળતા લક્ષણો જેવા જ છે. એઇમ્સના ઈમરજન્સી વોર્ડમાં મંકીપૉક્સના સંભવિત કેસને લઇને જરૂરી પગલાઓ અંગેની માહિતી આપવામાં આવે છે.એઇમ્સની એડવાઇઝરી મુજબ મંકીપૉક્સના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, કમરનો દુખાવો, ગળામાં સોજો, શરદી, થાકનો સમાવેશ થાય છે.
આવા દર્દીઓ માટે અલગથી પાંચ બેડની વ્યવસ્થા
એઇમ્સના AB-7 વોર્ડમાં આવા દર્દીઓ માટે અલગથી પાંચ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બેડ ઈમરજન્સી વિભાગના ચીફ મેડિકલ ઓફિસરની ભલામણ બાદ દર્દીઓને ફાળવવામાં આવશે. જેની સારવાર ત્યાર બાદ મેડીસીન વિભાગ દ્વારા કરવામાં આવશે. આ દર્દીઓને સફદરજંગ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં ન આવે ત્યાં સુધી AB-7 વોર્ડ તેમને રાખવામાં આવશે.
ડોકટરોને સારવાર દરમિયાન ચેપ ટાળવા નિર્દેશ
એસઓપીમાં અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જ્યારે પણ શંકાસ્પદ મંકીપૉક્સ કેસની ઓળખ થાય ત્યારે IDSPને જાણ કરવી અને દર્દીને લગતી તમામ માહિતી પૂરી પાડવી. એસઓપી મુજબ આ રોગથી પીડિત કોઈપણ વ્યક્તિને વધુ સારવાર માટે સફદરજંગ હોસ્પિટલમાં મોકલવામાં આવે. આવા દર્દીઓ માટે ત્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આવા દર્દીઓ માટે અલગથી એમ્બ્યુલન્સ હશે. ડોકટરોને સારવાર દરમિયાન ચેપ ટાળવા અને તમામ નિયમોનું સંપૂર્ણ પાલન કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
Also Read –