નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારે વિક્રમી સપાટી તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું છે અને લગભગ રોજ નવી ઊંચી સપાટી જોવા મળે છે. આના આજના કારણની વાત કરીએ તો રીલાયન્સ અને એચડીએફસી બેન્ક જેવા હેવીવેઇટ સ્ટોક્સની આગેકૂચ મુખ્ય છે. આ ઉપરાંત અબજો ડોલરનું રોકાણ આવી રહ્યું છે. ગુરુવારે વાર્ષિક સામાન્ય સભા પછી આજે આરઆઈએલના શેરો પર ધ્યાન કેન્દ્રિત રહ્યું છે, મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ સમૂહ ટૂંક સમયમાં વિશ્વની 30 સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સામેલ થઈ જશે.
એ જ સાથે, ૧:૧ના પ્રમાણમાં બોનસ શેરની પણ જાહેરાત થઈ છે. આ તરફ એચડીએફસી બેંકના શેરમાં વધારો થયો છે કારણ કે એમએસસીઆઈ ઇન્ડેક્સ આ લાર્જકેપ બેંકનું વજન વધારી શકે છે.
દરમિયાન વૈશ્વિક ઇન્ડેક્સ પ્રોવાઇડર એમએસસીઆઈ શુક્રવારે તેના સૂચકાંકોને પુનઃસંતુલિત કરવા માટે તૈયારી કરી છે, જેના પરિણામે ભારતીય શેરોમાં $5.5 બિલિયન સુધીનો ચોખ્ખો પ્રવાહ આવી શકે છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આવા પુનઃસંતુલન દરમિયાન અત્યાર સુધીની આ સૌથી મોટી રકમમાંથી એક હશે.
આ એડજસ્ટમેન્ટની જાહેરાત ૧૩મી ઓગસ્ટે કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે પ્રાદેશિક સમકક્ષો વચ્ચેના ઉછાળાને પગલે શુક્રવારે બજાર ખુલ્યા પછી તરત જ ભારતીય શેરોના ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા. અમેરિકાના આર્થિક ડેટાએ વૃદ્ધિની ચિંતાઓ દૂર કર્યા પછી આ વધારો થયો છે, રોકાણકારો હવે તાજેતરના સ્થાનિક ત્રિમાસિક વૃદ્ધિના આંકડાની રાહ જોઈ રહ્યા છે.
બીએસસીના ૧૩ મોટા સેક્ટરમાંથી ૧૧ સેક્ટરમાં સુધારો જોવા મળ્યો છે. જ્યારે વ્યાપક બજારમાં વધુ સ્થાનિક રીતે કેન્દ્રિત સ્મોલ અને મિડ-કેપ્સ ઇન્ડેક્સ, પ્રત્યેકમાં લગભગ 0.5% વધારો જોવા મળ્યો છે.
બજારના તાજેતરના વલણની નોંધપાત્ર વિશેષતા એ અસ્થિરતાનો અભાવ છે. વોલેટિલિટી ઈન્ડેક્સ VIX ઘટીને 13.79 થઈ જવા સાથે છેલ્લા 11 ટ્રેડિંગ સેશન દરમિયાન બજાર સતત ઉપર જઈ રહ્યું છે. DIIs અને HNIs દ્વારા ગુણવત્તાયુક્ત લાર્જકેપના સંચય ચાલુ રહેવાથી અને FIIs દ્વારા તેમના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો અને ચોક્કસ દિવસોમાં ખરીદીએ બજારની સ્થિતિસ્થાપકતામાં વધારો જોવા મળ્યો હોવાનું, નિષ્ણાતોએ જણાવ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને