કોલંબોઃ એશિયા કપની આજની ફાઈનલ મેચ શ્રી લંકા અને ભારત વચ્ચે વરસાદના વિઘ્ન વચ્ચે શરુ થઈ હતી, પરંતુ ભારતીય બોલરે શ્રીલંકા પર પ્રભુત્વ જમાવીને સાવ સામાન્ય સ્કોરમાં અડધાથી વધુ ટીમને ઘરભેગી કરી હતી. અહીંના કે. આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ટોસ જીતીને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ બેટિંગનો નિર્ણય લીધો હતો. વરસાદને કારણે મેચ 40 મિનિટ રોકવામાં આવ્યા પછી સાડાત્રણ વાગ્યે મેચ રમાડવાનું ચાલુ કર્યું હતું, પરંતુ આજની મેચનો સુપરબોલર મહોમ્મદ સિરાજ રહ્યો હતો.
પહેલી ઓવરમાં જસપ્રીત બુમરાહે કુસલ પરેરાની પહેલી વિકેટ ઝડપી હતી, ત્યારે પરેરાને ઝીરો રને આઉટ કર્યો હતો, ત્યાર પછીની ઓવરમાં મહોમ્મદ સિરાજ છવાઈ ગયો હતો. બુમરાહની શાનદાર બોલિંગના સ્પેલ સાથે સિરાજના સ્વિંગ અને બાઉન્સરવાળી બોલિંગમાં છ વિકેટ ઝડપી હતી, જેમાં 16 બોલમાં પાંચ વિકેટ ઝડપીને ઈતિહાસ સર્જ્યો હતો. ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં બીજી વખત આવું બન્યું છે.
મહોમ્મદ સિરાજે પહેલી વખત પાંચ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, શ્રી લંકા સામે એક ઓવરમાં ચાર વિકેટ લઈને પણ ઈતિહાસ બનાવ્યો છે. વનડે ક્રિકેટમાં પણ પહેલો ભારતીય બન્યો છે, જેમાં અગાઉ શ્રીલંકા બોલર લસિથ મલિંગાને નામે વિક્રમ છે. મલિંગાએ એક ઓવરમાં ચાર વિકેટ ઝડપવાનો રેકોર્ડો બનાવ્યો હતો.
આજની ફાઈનલ મેચમાં સિરાજે પથુમ નિસંકા, સદીરા સમારવિક્રમા, કુસલ મેંડિસ, ચરિથ અસાલંકા, ધનંજય ડિસિલ્વાને આઉટ કર્યો હતો. સિરાજે પચાસ વિકેટ પૂરી કરી હતી. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ ડી વેલિંગેને આઉટ કર્યો હતો. આઠ રને પહેલી, બીજી, ત્રીજી અને ચોથી વિકેટ પડી હતી, ત્યારબાદ 12 રને પાંચમી અને છઠ્ઠી, 33 રને સાતમી અને આઠમી વિકેટ વિલંગેની પડી હતી. નવમી અને દસમી વિકેટ પચાસ રને પડી હતી, જેમાં ભારતને જીતવા માટે 51 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
શ્રીલંકા 15.2 ઓવરમાં પચાસ રને ઓલઆઉટ થઈ ગયું હતું, જેમાં મહોમ્મદ સિરાજ સિવાય હાર્દિક પંડ્યાએ ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે શ્રીલંકાની ટીમમાં કે મેંડિસ (17) અને ડી. હેમંતા (13) ડબલ ફિગરમાં સ્કોર કરી શક્યા હતા, જ્યારે ડી પરેરા, એસ. સમરવિક્રમા, ડી. શંકા અને એન પથિરામા ચાર પ્લેયર ઝીરો રને આઉટ થયા હતા.
આજની ફાઈનલ મેચમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમમાં અક્ષર પટેલની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં જગ્યા આપી છે. ટોસ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તે પણ પહેલા બેટિંગ કરવા માંગતો હતો. મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો આજે મેચ પૂર્ણ નહીં થાય તો સોમવારે 18 સપ્ટેમ્બરે પણ રમાશે. વિરાટ કોહલીથી લઈને હાર્દિક પંડ્યા સુધી કે જેઓ આરામના કારણે છેલ્લી મેચમાં રમ્યા ન હતા, તેઓ ટીમમાં પરત ફર્યા છે.