ટેસ્ટ ડ્રૉઃ ભારતે આબરૂ સાચવી | મુંબઈ સમાચાર

ટેસ્ટ ડ્રૉઃ ભારતે આબરૂ સાચવી

ગિલ પછી જાડેજા-વૉશિંગ્ટનની પણ યાદગાર સેન્ચુરી

મૅન્ચેસ્ટરઃ અહીં ઑલ્ડ ટ્રેફર્ડના ઇતિહાસમાં ભારતીયો ઇંગ્લૅન્ડ સામે અગાઉ ક્યારેય ટેસ્ટ (test) નહોતા જીત્યા અને ગઈ કાલે પણ ન જીતી શક્યા, પરંતુ શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા (india)ના બૅટ્સમેનોએ જે અસરદાર લડત બતાવી અને ચોથી ટેસ્ટ ડ્રૉ કરાવી એ ભારત માટે એક રીતે વિજય જ કહેવાય, કારણકે 311 રનની સરસાઈ લીધા પછી પણ બ્રિટિશરો (England) ભારતને બાકીના દોઢ દિવસમાં હરાવી ન શક્યા. ઊલટાનું, ભારતીય ટીમે સેકન્ડ ઇનિંગ્સમાં લીડ ઊતર્યા બાદ બીજા 114 રન બનાવીને દેશની આબરૂ સાચવી હતી.

જબરદસ્ત ફાઇટિંગ સ્પિરિટવાળા રવીન્દ્ર જાડેજા (107 અણનમ, 185 બૉલ, 218 મિનિટ, એક સિક્સર, તેર ફોર) તેમ જ વૉશિંગ્ટન સુંદર (101 નૉટઆઉટ, 206 બૉલ, 298 મિનિટ, એક સિક્સર, નવ ફોર)ની જોડીએ 334 બૉલમાં 203 રનની અતૂટ ભાગીદારી કરીને બ્રિટિશરોને વિજયથી વંચિત રાખ્યા હતા.

આપણ વાંચો: માન્ચેસ્ટર ટેસ્ટ: ભારતીય ટીમ માટે રાહતના સમાચાર, રિષભ પંત બેટિંગ કરી શકશે

બન્ને ટીમના કૅપ્ટનો રમતના અંતની લગભગ એક કલાક પહેલાં ડ્રૉ માટે સહમત થયા ત્યારે ભારતનો બીજા દાવનો સ્કોર 4/425 હતો જે રન તેમણે 143 ઓવરમાં બનાવ્યા હતા.

એ પહેલાં, કૅપ્ટન શુભમન ગિલે (103 રન, 238 બૉલ, 379 મિનિટ, બાર ફોર) ડ્રૉ માટેનો પાયો નાખ્યો હતો. તેની અને કે. એલ. રાહુલ (90 રન, 230 બૉલ, 300 મિનિટ, આઠ ફોર) વચ્ચે 188 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.

આપણ વાંચો: માન્ચેસ્ટર ટેસ્ટમાં કુલદીપ યાદવની અવગણના કેમ કરવામાં આવી? બોલિંગ કોચે કરી સ્પષ્ટતા…

યશસ્વી અને સુદર્શન ઝીરોમાં આઉટ થયા હતા, પરંતુ ત્યાર તેમના પછી બૅટિંગ કરનાર ચારમાંથી ત્રણ બૅટ્સમેને સેન્ચુરી ફટકારી. બ્રિટિશરોએ કુલ સાત બોલર અજમાવ્યા અને એમાં ક્રિસ વૉક્સ (23-4-67-2) સૌથી સફળ હતો.

ઇંગ્લૅન્ડ પાંચ મૅચની આ સિરીઝમાં 2-1થી આગળ છે. હવે 31મી જુલાઈથી ઓવલમાં છેલ્લી ટેસ્ટ રમાશે જે જીતીને ભારતીયોએ શ્રેણી ડ્રૉ કરાવવી પડશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button