નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ખેડૂતોને આપેલા વચનો પુરા ના કરતા ખેડૂતોએ ફરી આંદોલન શરુ કર્યું છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારીમાં છે. રાહુલ ગાંધીએ ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન છત્તીસગઢના અંબિકાપુર મંડીમાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આ માહિતી આપવાની સાથે કેન્દ્ર સરકારને ખેડૂત વિરોધી ગણાવી હતી.
જયરામ રમેશે કહ્યું કે આજે દેશના ખેડૂતો, ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો ‘ત્રણ કાળા કૃષિ કાયદા’ને પરત ખેંચતી વખતે આપવામાં આવેલી ખાતરીઓ પૂરી ન કરવાના વિરોધમાં નવી દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. દિલ્હી પોલીસ અને હરિયાણા પોલીસ દ્વારા ખેડૂતોને હેરાન કરવા અને તેમના અધિકારોનો ઉપયોગ કરતા અટકાવવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અલોકતાંત્રિક છે અને મોદી સરકારની ખેડૂત વિરોધી માનસિકતા દર્શાવે છે.
જયરામ રમેશે વધુમાં કહ્યું કે ખેડૂતોના આંદોલનના કારણો સ્પષ્ટ છે. મૂડીવાદીઓને મદદ કરવા જમીન સંપાદન કાયદામાં સુધારો કરવાનો પ્રયાસ હોય કે ત્રણ કાળા કૃષિ કાયદા લાવવાનો હોય. તેઓએ દરેક રીતે ખેડૂતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આજદિન સુધી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી પણ મળી નથી. ખેડૂતો માટે બજારને નબળું પાડવાનું કામ કરવામાં આવ્યું છે. આ સરકાર ખેડૂતોને પાકની યોગ્ય કિંમત આપવામાં પણ નિષ્ફળ રહી છે. 2004-14ના સમયગાળા દરમિયાન કોંગ્રેસ સરકાર દરમિયાન ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં 126 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જો વર્તમાન સરકારે ખેડૂતોને આ જ લઘુત્તમ ટેકાના ભાવ આપ્યા હોત તો આજે ખેડૂતોને ઘઉંના પ્રતિ ક્વિન્ટલ ભાવ રૂ.2275 ને બદલે રૂ.3277 મળતા હોત.
જયરામ રમેશે કહ્યું કે ખેડૂતો દેવા હેઠળ દબાયેલા છે. 2013થી ખેડૂતોનું દેવું 60 ટકા વધી ગયું છે અને તેના કારણે તેમની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ વીમો મેળવનારા લાખો ખેડૂતોને તેમના ક્લેઈમની ચુકવણીમાં વિલંબ થઇ રહ્યો છે. સરકારના પોતાના આંકડાઓ અનુસાર, 2021-’22માં અંદાજે રૂ. 2761 કરોડના દાવા પેન્ડિંગ હતા.
તેમણે કહ્યું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના મોટા દાવાઓ અને ભાષણોની આડમાં ખેડૂતોની વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વાસ્તવિકતા એ છે કે ખેડૂતો સન્માનજનક જીવન પણ નથી જીવી શકતા. તેઓ દેવામાં ડૂબી ગયા છે અને તેમને તેમના પાકના નુકસાન માટે વીમાના પૈસા પણ નથી મળી રહ્યા.
કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે જ્યારે પણ ઈતિહાસ લખવામાં આવશે ત્યારે મોદી સરકારના કાર્યકાળના દસ વર્ષ ખેડૂતો પર ક્રૂરતા, બર્બરતા, દમન અને જુલમના સમયગાળા તરીકે ઓળખાશે. આજે ભાજપની કેન્દ્ર સરકાર અને હરિયાણા-રાજસ્થાન-ઉત્તર પ્રદેશની ભાજપ સરકારોએ દેશની રાજધાની દિલ્હીને ‘પોલીસ છાવણી’માં ફેરવી દીધી છે, જાણે દિલ્હીની સત્તા પર કોઈ દુશ્મને હુમલો કર્યો હોય.
Taboola Feed