G-20 Summit: ભારત અને બ્રિટન વચ્ચે ફરી શરૂ થશે મુક્ત વેપાર કરાર પર મંત્રણા, બ્રિટને કરી જાહેરાત

રિયો ડી જાનેરો : બ્રાઝિલમાં ચાલી રહેલી G-20સમિટ(G-20 Summit) દરમિયાન બ્રિટને નવા વર્ષે ભારત સાથે મુક્ત વેપાર કરાર(FTA)અંગે ફરી મંત્રણા શરૂ કરવાની વાત કરી છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમેરે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ આ જાહેરાત કરી હતી. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, બ્રિટન ભારત સાથે નવી વ્યૂહાત્મક ભાગીદારી ઈચ્છશે, જેમાં વેપાર કરાર અને સુરક્ષા, શિક્ષણ, ટેક્નોલોજી અને ક્લાઈમેટ ચેન્જ જેવા ક્ષેત્રોમાં સહકારને ગાઢ બનાવવાનો સમાવેશ થાય છે.
બ્રિટન ભારત સાથે વેપાર સોદાની મંત્રણા કરવા માટે પ્રતિબદ્ધ
મીડીયા અહેવાલ અનુસાર બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરના પ્રવક્તાએ કહ્યું કે બ્રિટન વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક ભારત સાથે વેપાર સોદાની મંત્રણા કરવા માટે પ્રતિબદ્ધ છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સાથેનો નવો વેપાર સોદો યુકેમાં નોકરીઓ અને સમૃદ્ધિને સમર્થન આપશે અને આપણા દેશમાં વિકાસ અને તકો પહોંચાડવાના અમારા મિશનમાં એક પગલું આગળનું પ્રતિનિધિત્વ કરશે.
દ્વિપક્ષીય બેઠકથી ભારત-બ્રિટન વ્યૂહાત્મક ભાગીદારીને નવી પ્રેરણા
પીએમ મોદીએ બ્રિટન દ્વારા કરાયેલી આ જાહેરાતને આવકારતા કહ્યું કે ભારત માટે યુ.કે. ભારત સાથે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોદીએ કહ્યું કે અમે વેપારની સાથે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા માંગીએ છીએ. ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ પણ કહ્યું કે દ્વિપક્ષીય બેઠકથી ભારત-બ્રિટન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી પ્રેરણા આપી છે.
વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર ચર્ચા
વિદેશ મંત્રાલયે X પરની તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટ દરમિયાન બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટારમરને મળ્યા. આ નેતાઓ ભારત-યુ.કે. વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. તેઓએ સંતુલિત અને પરસ્પર ફાયદાકારક એફટીએની જરૂરિયાતને પણ સ્વીકારી. સ્ટારમર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા અને જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસ સાથે વાતચીત કર્યા પછી તરત જ મોદી સાથે મુલાકાત કરી હતી.
બંને દેશોમાં ચૂંટણી દરમિયાન આ મંત્રણા અટકી
બ્રિટનના વ્યાપાર અને વેપાર સચિવ જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને બ્રિટન માટે મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે. અમારું માનવું છે કે અહીં સારા સોદા થવાના છે જે બંને દેશો માટે મહત્વપૂર્ણ છે. ભારત અને બ્રિટન જાન્યુઆરી 2022 થી મુક્ત વેપાર કરાર (FTA) પર મંત્રતા કરી રહ્યા છે. જેમાં આ વર્ષની શરૂઆતમાં બંને દેશોમાં ચૂંટણી દરમિયાન આ મંત્રણા અટકી હતી.