Bangladeshમાં રાજકીય સંકટ પર ભારતની નજર, મોદી સરકાર સામે ઉભા થયા નવા પડકારો
ઢાકા : બાંગ્લાદેશમાં(Bangladesh) શેખ હસીનાએ વડા પ્રધાન પદ છોડતાં જ દેશમાં અરાજકતાનો માહોલ છે. જેમાં ઉપદ્રવીઓએ દરેક જગ્યાએ તોડફોડ કરી રહ્યા છે. જ્યારે બાંગ્લાદેશની સેના લોકોને શાંતિની અપીલ કરી રહી છે. તેમજ ગઈકાલે બાંગ્લાદેશની સેનાએ વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે. શેખ હસીનાએ ભારતમાં આશરો લીધો છે. શેખ હસીના ગઈકાલથી ભારતમાં છે. ભારત સરકાર બાંગ્લાદેશની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. જો કે આ દરમ્યાન મોદી સરકાર સામે અનેક પડકારો વધ્યા છે.
બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ પર હુમલા વધશે
બાંગ્લાદેશમાં આ પ્રદર્શનમાં કટ્ટરવાદીઓનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે. તેઓએ બાંગ્લાદેશની આઝાદીના નેતા શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા તોડી નાખી છે. આ ઉપરાંત 20થી વધુ મંદિરોમાં તોડફોડ અને સળગાવવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક હિન્દુઓના ઘરોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં મોદી સરકાર સામે પડકાર એ છે કે તે હિંદુઓ પરના હુમલા અંગે શું પગલાં લેશે?
બાંગ્લાદેશમાં ભારત વિરોધી ગતિવિધિઓ વધી શકે છે
બાંગ્લાદેશને ઉથલાવવામાં પાકિસ્તાન, અમેરિકા અને ચીન સામેલ છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બાંગ્લાદેશમાં ક્યાંક પાકિસ્તાનની ISI પોતાના નાપાક મનસૂબાઓ દ્વારા આતંકવાદીઓને આશ્રય આપવાનું શરૂ કરી શકે છે. જો આમ થશે તો તે ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે.
કટ્ટરપંથી સંગઠનો ફરી સક્રિય થઈ શકે છે
અગાઉ અહીં જમાત-એ-ઇસ્લામી અને જમાત-ઉલ-મુજાહિદ્દીન નામના બે કટ્ટરવાદી સંગઠનો સક્રિય હતા.તેઓ ફરી સક્રિય થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બંને સંગઠનોને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનું રક્ષણ છે. જ્યારે ભારત પહેલાથી જ આતંકવાદના પડકારનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ પડકારને વધુ વધારી શકે છે.
પશ્ચિમ બંગાળ, ઈશાન ભારતમાં ઘૂસણખોરી વધી શકે છે
બાંગ્લાદેશથી ગેરકાયદેસર ઘૂસણખોરી એ ભારત સામે મોટો પડકાર છે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન કટ્ટરવાદી સંગઠનોની મદદનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓની ઘૂસણખોરી શરૂ કરશે તો આપણા દેશ માટે મોટો ખતરો બની શકે છે. પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વ ભારતની સરહદો ખુલ્લી છે. જ્યાંથી ગેરકાયદે ઘૂસણખોરી થતી રહે છે.
ચીન તકનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે
પહેલેથી જ ચીન ભારતને ચારે બાજુથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, જો ત્યાં કોઈ પાકિસ્તાન સમર્થિત સરકાર અથવા સંગઠન રચાય છે, તો ચીન તેના મિત્ર પાકિસ્તાન દ્વારા ભારતને મજબૂત રીતે ઘેરવાનો પ્રયાસ કરશે, જે સુરક્ષાની દૃષ્ટિએ સારું નથી.
શેખ હસીનાનું લંડન જવાનું આયોજન હતું
કેન્દ્ર સરકારે બાંગ્લાદેશના મુદ્દા પર ચર્ચા કરવા માટે મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક લગભગ સવારે 10 વાગે સંસદ ભવનમાં થઈ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આ મુદ્દે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બાંગ્લાદેશમાં અનામત વિરોધી હિંસક પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાનું અચાનક રાજીનામું અને દેશ છોડવાથી ત્યાં અરાજકતાની સ્થિતિ સર્જાઈ છે. લંડન જવાના પ્લાનિંગના ભાગરૂપે હસીના ગઈકાલે રાત્રે ભારત પહોંચ્યા હતા.