
બ્રિસ્બેનઃ ભારતની મહિલા ક્રિકેટરોની ઇન્ડિયા એ’ ટીમે આઝાદી દિને અહીં ઇયાન હિલી ઓવલ મેદાન પર ફક્ત એક બૉલ બાકી રાખીને યજમાન ઑસ્ટ્રેલિયા એ’ (Australia A) ટીમને સતત બીજી વન-ડેના રોમાંચક મુકાબલામાં હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી-સરસાઈ મેળવી લીધી હતી.
ભારતીય ટીમે (India A) મૅચના સેકન્ડ-લાસ્ટ બૉલ પર વિજય મેળવ્યો હતો. શ્રેણી (Series)ની ટ્રોફી પર કબજો અપાવવામાં ખાસ કરીને બે બોલર અને ત્રણ બૅટરના મોટા યોગદાન હતા.
આપણ વાંચો: આપણી મહિલા ક્રિકેટરો જ્યારે ક્રાઉડ જોઈને ઍરપોર્ટમાં પાછી અંદર જતી રહી હતી!: જેમાઇમા રૉડ્રિગ્સ
ભારત વતી ઑફ-સ્પિનર મીનુ મનીએ 46 રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને ત્યાર બાદ ત્રણ બૅટર્સે હાફ સેન્ચુરી ફટકારીને ભારતને ભારે રસાકસી વચ્ચે વિજય અપાવ્યો હતો.
ઑસ્ટ્રેલિયાની કૅપ્ટન તાહલિયા મૅકગ્રાએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. તેની ટીમે 50 ઓવરમાં નવ વિકેટે 265 રન કર્યા હતા. ભારતીય ટીમે જવાબમાં 49.5 ઓવરમાં આઠ વિકેટે 266 રન કરીને દિલધડક મુકાબલો જીતી લીધો હતો.
આપણ વાંચો: બરાબર એક વર્ષ પછી લૉર્ડ્સમાં ભારતીય મહિલા ક્રિકેટરોનું નામ સુવર્ણ અક્ષરે લખાશે, જાણો કઈ રીતે…
ભારતીય ઇનિંગ્સની શરૂઆત નબળી હતી, પણ ઓપનર-વિકેટકીપર યાસ્તિકા ભાટિયા (66 રન, 71 બૉલ, નવ ફોર)એ જીતનો પાયો નાખ્યો હતો. તેના ઉપરાંત ખુદ કૅપ્ટન રાધા યાદવે (60 રન, 78 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને તનુજા કંવરે (50 રન, 57 બૉલ, ત્રણ ફોર) પણ ઑસ્ટ્રેલિયન બોલર્સ (ડાર્સી બ્રાઉન, કિમ ગર્થ, જ્યોર્જિયા, પ્રેસ્ટવિજ, એમી એડગર અને એલા હેવાર્ડ)નો સફળતાથી સામનો કરીને લડાયક હાફ સેન્ચુરી સાથે ભારતને વિજયના દ્વાર સુધી પહોંચાડી દીધું હતું.
0-3ની હારનો બદલો 3-0થી લેવાની તક
ઇન્ડિયા એ’ ટીમ ગયા અઠવાડિયે ટી-20 સિરીઝ 0-3થી હારી હતી, પણ હવે રવિવારે (સવારે 5.00 વાગ્યાથી) બ્રિસ્બેનમાં જ રમાનારી ત્રીજી વન-ડે પણ જીતીને રાધા યાદવની ટીમને 3-0થી સાટું વાળવાની તક છે. બુધવાર, 13મી ઑગસ્ટે રાધા યાદવની ટીમે ઑસ્ટ્રેલિયા એ’ ટીમને 48 બૉલ બાકી રાખીને ત્રણ વિકેટે હરાવી હતી. હાલમાં ભારતીય ટીમ 2-0થી આગળ છે.
અલીઝા તેના કાકાના નામવાળા મેદાન પર સેન્ચુરી ચૂકી
ઑસ્ટ્રેલિયાની 35 વર્ષીય વિકેટકીપર-ઓપનર અલીઝા હિલી (91 રન, 87 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) સદી ચૂકી ગઈ હતી. આ મૅચ તેના કાકા અને મહાન વિકેટકીપર-બૅટ્સમૅન ઇયાન હિલીના નામવાળા મેદાન પર રમાઈ હતી અને એના પર તેને સેન્ચુરી ફટકારવાની સારી તક હતી, પરંતુ કૅપ્ટન રાધા યાદવના બૉલમાં તે ભારતીય વિકેટકીપર યાસ્તિકા ભાટિયાના હાથમાં કૅચઆઉટ થઈ ગઈ હતી.