
બ્રિસબેન: બૉર્ડર-ગાવસકર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં આજે અહીં વરસાદના અને નબળા પ્રકાશના વિઘ્નો વચ્ચે પ્રથમ દાવમાં ભારતીય ટીમ ફૉલો-ઑનથી બચી ગઈ હતી.
બૅડ લાઈટને લીધે અમ્પાયરે રમત અટકાવી ત્યારે ભારતનો સ્કોર નવ વિકેટે 252 રન હતો. ભારતે ફૉલો -ઑનથી બચવા માટે 246 રન બનાવવાના હતા. બે પેસ બોલર આકાશ દીપ (27 નોટઆઉટ, 31 બૉલ, એક સિક્સર, બે ફોર) તથા બુમરાહ (10 નોટઆઉટ, 27 બૉલ, એક સિક્સર)ની જોડીએ છેલ્લી વિકેટ માટેની 39 રનની અતૂટ ભાગીદારી સાથે ભારતને ફૉલો-ઑનની નામોશીથી બચાવી લીધું હતું.
આ પણ વાંચો : ઓહ! કોહલીના મુદ્દે કુંબળેએ તાબડતોબ આ ખુલાસો બહાર પાડવો પડ્યો!
એ પહેલાં, ઓપનર કેએલ રાહુલે 139 બૉલમાં 84 રન બનાવીને અને રવીન્દ્ર જાડેજાએ 123 બૉલમાં 77 રન બનાવીને ઑસ્ટ્રેલિયન બોલર્સને જોરદાર લડત આપી હતી. નીતીશ રેડ્ડી (61 બૉલમાં 16 રન)નો પણ જાડેજાને સારો સાથે મળ્યો હતો.
જોકે બીજા કોઈ ટોચના બૅટર સારું ન રમ્યા એને કારણે ભારત મુશ્કેલીમાં આવી ગયું હતું.
ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. એમાં ટ્રેવિસ હેડના 152 રન અને સ્ટીવ સ્મિથના 101 રન સામેલ હતા.
આ મૅચમાં હવે ફક્ત એક દિવસ બાકી છે. આવતી કાલે (બુધવારે) પણ વરસાદની આગાહી હોવાથી હવે મેઘરાજા જ ભારતીય ટીમને પરાજયથી બચાવી શકે.