ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. હૈદરાબાદ ખાતે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પહેલી ટેસ્ટના ચોથા દિવસે જાડેજાને હેમસ્ટ્રિંગમાં ખેંચાણ અનુભવાયું હતું અને ત્યાર બાદ તેના પગનું સ્કેન કરાવવામાં આવ્યું છે, પણ હજી તેના રિપોર્ટ્સ આવવાનું બાકી છે. રિપોર્ટ્સ આવ્યા બાદ જ કન્ફર્મ થઈ શકશે તેની ઈજા કેટલી ગંભીર છે.
એક રિપોર્ટ અનુસાર લાંબી સિરીઝને ધ્યાનમાં લઈને જાડેજાને આરામ આપવામાં આવી શકે છે. જો જાડેજાને આરામ આપવામાં આવશે તો ચોક્કસ જ ટીમ ઈન્ડિયા માટે આ એક ફટકો હશે. હવે સવાલ એ થાય છે કે જો જાડેજાને વિશાખાપટ્ટનમ ખાતે રમાનારી બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવશે તો તેની જગ્યા કોને મળશે? તો તમારા આ સવાલનો જવાબ છે કે જાડેજાની જગ્યાએ કદાચ કુલદીપ યાદવને ટીમમાં સ્થાન આપવામાં આવશે.
રવીન્દ્ર જાડેજા હૈદરાબાદ ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના ડાયરેક્ટ હિટને કારણે રન આઉટ થઈ ગયો હતો. પેવેલિયન પાછા ફરતી વખતે જાડેજાને ચાલવામાં મુશ્કેલી પડી હતી અને ત્યાર બાદ તેણે હૈદરાબાદમાં જ પોતાના પગનું સ્કેન કરાવ્યું હતું. સ્કેનના રિપોર્ટ મુંબઈ ઈન્સ્ટિટ્યૂટ ખાતે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આજે સાંજ સુધી આવશે અને ત્યાર બાદ જ નક્કી કરવામાં આવશે કે જાડેજા માત્ર એક ટેસ્ટમાંથી આઉટ થશે કે આખી સીરિઝથી બહાર થશે.
ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રાવિડે હજી સુધી ટીમના ફિઝિયો સાથે જાડેજાની ઈજા બાબતે વાત નથી કરી. ફિઝિયો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ જાડેજાને ટીમમાં લેવો કે નહીં એ અંગેનો નિર્ણય દ્રાવિડ દ્વારા લેવાશે. અન્ય એક અહેવાલ અનુસાર જાડેજાની ઈજા એટલી ગંભીર નથી અને તેને હળવું ખેંચાણ અનુભવાઈ છે. જો એ બીજી ટેસ્ટ નહીં રમી શકે તો ત્રીજી ટેસ્ટ તો રમશે જ. બીજી ટેસ્ટ મેચ બીજી ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં અને ત્રીજી મેચ 15મી ફેબ્રુઆરીના રાજકોટમાં રમાશે.
જાડેજા જો બીજી ટેસ્ટમાંથી બહાર જશે તો તેની જગ્યાએ કુલદીપ યાદવને ટેસ્ટની પ્લેઈંગ-11માં સ્થાન આપવામાં આવશે. કુલદીપ સ્ક્વોડમાં સમાવિષ્ટ ચોથો સ્પીનર હશે. પહેલી ટેસ્ટમાં જાડેજાની સાથે અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનને સ્પીનર તરીકે ચાન્સ આપવામાં આવ્યો હતો.
Taboola Feed