કોસ્ટલ રોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટનઃ શિંદે-ફડણવીસ ‘હાજર’, અજિત પવાર કેમ ‘ગેરહાજર’?

મુંબઈ: મુંબઈના અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા કોસ્ટલ રોડને જોડતા ‘બૉ સ્ટ્રીંગ આર્ચ બ્રિજ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ પ્રસંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત ભાજપના મોટા નેતાઓ-વિધાનસભ્યો હાજર રહ્યા હતા, પરંતુ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આ કાર્યક્રમમાંથી ગેરહાજરી ઊડીને આંખે વળગે તેવી હતી.
અજિત પવારની ગેરહાજરીની ચર્ચા
કોસ્ટલ રોડ અને સી-લિંકને જોડતા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે અજિત પવાર કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. જેને પગલે રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જાગી હતી. છેલ્લાં થોડા વખતથી અજિત પવાર મહાયુતિના કાર્યક્રમોથી દૂર રહેતા હોવાનું અને એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસથી અળગા રહેતા હોવાનું જોવા મળતું હોવાની ચર્ચા છે.
મહાયુતિ અંતર રાખવાનું કારણ શું
મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મહત્ત્વના ગણાતા કોસ્ટલ રોડ અને સી-લિંકને જોડતા આર્ચ બ્રિજના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં પણ તે નજર ન આવતા જાતભાતની ચર્ચા થઇ રહી છે અને અજિત પવાર મહાયુતિથી અંતર રાખી રહ્યા હોવાના પણ અહેવાલ ફરતા થયા હતા. અજિત પવાર આ કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં એવો સવાલ પૂછવામાં આવતા ફડણવીસ અને શિંદે બંનેએ સ્મિત વેરીને ફક્ત એટલો જવાબ આપ્યો હતો કે અજિત પવારે તે આ કાર્યક્રમમાં હાજર નહીં રહી શકે તેની જાણ પહેલાથી જ બંનેને કરી દીધી હતી.
મરીન ડ્રાઈવથી બાંદ્રા 10 મિનિટમાં પહોંચાશે
10મી જૂનના રોજ કોસ્ટલ રોડનો ઉત્તર બાજુનો મરીન ડ્રાઇવથી હાજી અલી જતો રસ્તો લોકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે 94 વર્ષ જૂની વિન્ટેજ રોલ્સ રોયમાં કાઢવામાં આવેલી રેલીમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સાથે અજિત પવારે પણ સવારી કરી હતી. હવે તમારે દક્ષિણ મુંબઈથી ઉત્તર મુંબઈ જવું હશે તો મરીન ડ્રાઈવથી કોસ્ટલ રોડથી બાંદ્રા વરલી સી લિંક મારફત સીધા બાંદ્રા પહોંચી શકશો. હવે આ મુસાફરી 20થી 25 મિનિટમાં પૂરી થશે. આ અગાઉ તેનો 40-60 મિનિટ લાગતી હતી.
અઠવાડિયામાં બે દિવસ બંધ રહેશે
આ બ્રિજને સોમવારથી શુક્રવાર સવારના સાત વાગ્યાથી રાતના અગિયાર સુધી મુસાફરી કરી શકાશે. શનિવારે અને રવિવારે મેઈન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવશે. એની કોસ્ટલ રોડનો બીજો ભાગ ડિસેમ્બર, 2024 સુધીમાં સી લિંક પહોંચવામાં ખૂલી જવાની અપેક્ષા છે. ઉદ્ધાટનના કાર્યક્રમ વખતે સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ શરુ થવાથી સમયની બચત થશે.