અમદાવાદઃ ભારતમાં પણ એચએમપીવીના કેસ ધીમે ધીમે વધવા લાગ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં એચએમપીવીના કુલ 15 કેસ નોંધાયા છે, જેમાંથી 5 કેસ ગુજરાતમાં છે. એટલેકે દેશના કુલ કેસ પૈકી 33 ટકા કેસ માત્ર ગુજરાતમાં જ છે.
ગુજરાતમાં જ્યારે આ વાઇરસની એન્ટ્રી થઈ ત્યારે એવું કહેવાતું હતું કે માત્ર નાના બાળકોને જ નિશાન બનવા છે પણ છેલ્લા પાંચ દિવસમાં જે રીતે એક બાદ એક કેસ આવી રહ્યા છે અને તેમાં પણ આધેડના રિપોર્ટ પોઝિટિવ આવતાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. ગુજરાતમાં 6 જાન્યુઆરીએ સૌથી પહેલા રાજસ્થાનના ડુંગરપુરમાં રહેતું બાળક સારવાર માટે આવ્યું ત્યારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી રોજ એક-એક કેસ નોંધાઈ રહ્યા છે. નાના બાળકોમાં સૌથી મોટા લક્ષણોમાં ખાંસી અને શરદીની સાથે સાથે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, પણ તપાસમાં તેમની કોઈ વિદેશ કે અન્ય ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું સામે આવ્યું છે. તેથી આ વાઇરસ કેવી રીતે ગુજરાતના વિવિધ જિલ્લામાં ફેલાઇ રહ્યો છે તે તપાસનો વિષય બન્યો છે.
દેશના કયા રાજ્યમાં કેટલા કેસ નોંધાયા
ભારતમાં ગુજરાતમાં 5, મહારાષ્ટ્રમાં 3, કર્ણાટકમાં 2, તમિલનાડુમાં 2 તથા રાજ્સ્થાન, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશમાં 1-1 મળી કુલ 15 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કઈ તારીખે નોંધાયા કેસ
પ્રથમ કેસઃ 6 જાન્યુઆરી, 2 મહિનાનું બાળક
બીજો કેસઃ 9 જાન્યુઆરી, 8 વર્ષનું બાળક
ત્રીજો કેસઃ 9 જાન્યુઆરી, 80 વર્ષના વૃદ્ધ
ચોથો કેસઃ 10 જાન્યુઆરી, 9 મહિનાનું બાળક
પાંચમો કેસઃ 11 જાન્યુઆરી, 59 વર્ષના આધેડ
એચમપીવીના સંક્રમણથી બચવા શું કરશો
ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમલા અથવા ટીસ્યુથી ઢાંકવું
નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનિટાઇઝરનો ઉપયોગ કરવો
ભીડભાડવાળા સ્થળેથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું
તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળો
વધુ પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક ખાવ
રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઉંઘ લેવી
બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન ધરાવતાં વાતાવરણમાં રહેવું
શ્વાસને લગતાં લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું. બીજાઓ સાથે સંપર્ક મર્યાદીત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
Read This Also…Gujarat Politics: વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે શું કરી વિવાદીત પોસ્ટ?
શું ન કરવું જોઈએ
બિનજરૂરી રીતે આંખ, નાક કે મોઢાને સ્પર્શન કરવો નહીં
ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું
જાતે દવા લેવાનું ટાળવું. લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.