દુબઈઃ આગામી ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનમાં યોજાનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે જે મૅચો રમવાની છે એ તમામ મૅચો દુબઈમાં યોજાશે એ પ્રમાણેના હાઇબ્રિડ મૉડેલને આઇસીસીએ મંજૂરી આપી હોવાનો અહેવાલ શુક્રવારે સાંજે મળ્યો હતો.
આ અહેવાલમાં જણાવાયું હતું કે ભારત 2025માં પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે એટલે 2026માં ટી-20ના વર્લ્ડ કપ વખતે પાકિસ્તાન પોતાની ટીમને ભારત નહીં મોકલે અને ત્યારે પાકિસ્તાનની વિશ્વ કપમાં જે મૅચો હશે એ કોલંબોમાં રમાશે.
એ સાથે, ઘણા મહિનાઓથી હાઇબ્રિડ મૉડેલના મુદ્દે જે ચર્ચા થઈ રહી હતી એનો અંત આવી જશે.
આ પણ વાંચો: પાકિસ્તાનને ભારત માટેનું હાઇબ્રિડ મૉડેલ સ્વીકાર્ય નથીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ અદ્ધરતાલ
અહેવાલમાં એવું પણ જણાવાયું હતું કે બન્ને દેશના ક્રિકેટ બોર્ડ અનુક્રમે બીસીસીઆઇ અને પીસીબી વચ્ચે સમજૂતી થઈ છે જે મુજબ ભારત પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે અને પાકિસ્તાન પોતાના ક્રિકેટરોને ભારત નહીં મોકલે.
પાકિસ્તાનમાં ભારતની મૅચો યોજવા સંબંધમાં પીસીબીને જે આવક થવાની હતી એનું વળતર પીસીબીને નહીં મળે. એના બદલામાં પાકિસ્તાન પોતાને ત્યાં 2027ના વર્ષ પછી આઇસીસીની એક મહિલા ટૂર્નામેન્ટ રાખી શકશે. આ જે કંઈ સમજૂતી થઈ છે એ સંબંધમાં બીસીસીઆઇ, આઇસીસી તેમ જ પીસીબી ત્રણેય પક્ષો રાજી છે.